ભારતના સૌથી મોટા દુશ્મન દાઉદ ઇબ્રાહિમના એજન્ટ નવાબ મલિકને ઉમેદવારી આપીને અજિત પવારે વિશ્વાસઘાત કર્યો છે
નવાબ મલિક, કિરીટ સોમૈયા
મહાયુતિમાં સામેલ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવારે મુંબઈની માનખુર્દ-શિવાજીનગર બેઠક પર નવાબ મલિકને ઉમેદવારી આપવા સામે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસ બાદ ગઈ કાલે પક્ષના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ નવાબ મલિક અને અજિત પવાર પર ગંભીર આરોપ કર્યો હતો. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘નવાબ મલિક આતંકવાદી છે, જેણે ભારતને તોડવાનો પ્રયાસ કર્યો હતો. નવાબ મલિક ભારતના સૌથી મોટા દુશ્મન દાઉદ ઇબ્રાહિમના એજન્ટ છે. તેમને વિધાનસભાની ઉમેદવારી આપીને અજિત પવારે વિશ્વાસઘાત કર્યો છે. મહાયુતિના ઉમેદવાર તરીકે BJPના સુરેશ પાટીલને એકનાથ શિંદેએ ટિકિટ આપી છે. તેમણે ગઈ કાલથી ચૂંટણીના પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે.’
ઉલ્લેખનીય છે કે અજિત પવાર નવાબ મલિકને ઉમેદવારી આપશે તો વિરોધ કરીશું અને તેમના માટે ચૂંટણીમાં પ્રચાર નહીં કરીએ એવી સ્પષ્ટતા આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસે કરી હોવા છતાં મંગળવારે છેલ્લી ઘડીએ નવાબ મલિકે NCPમાંથી માનખુર્દ-શિવાજીનગર વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી.