Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદલાપુરમાં પેંડા વહેંચાયા અને આતશબાજી થઈ

બદલાપુરમાં પેંડા વહેંચાયા અને આતશબાજી થઈ

Published : 24 September, 2024 06:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય શિંદેના પિતાએ આક્ષેપ કર્યો કે મારા દીકરાને મારવા કોઈએ પૈસા આપ્યા હશે : વિરોધ પક્ષો સરકાર પર તૂટી પડ્યા

 મહિલાઓએ પેંડા વહેંચીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું

મહિલાઓએ પેંડા વહેંચીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું


આખા રાજ્યને હચમચાવી નાખનારા બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર : તળોજા જેલમાંથી તેને થાણે લાવી રહ્યા હતા ત્યારે તેણે પોલીસની બંદૂક ઝૂંટવીને ફાયરિંગ કર્યું, સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં તે મરી ગયો


બદલાપુરની સ્કૂલમાં બે બાળકીઓ સાથે જાતીય અત્યાચાર કરનારા સફાઈ-કર્મચારી અક્ષય શિંદેને ગઈ કાલે તળોજા જેલથી થાણે લઈ જવાતો હતો. પોલીસવૅન મુંબ્રા બાયપાસ પાસે પહોંચી ત્યારે તેણે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર નીલેશ મોરેની ગન ઝૂંટવીને પોલીસ પર ૩ ગોળી ફાયર કરી હતી. એક ગોળી નીલેશ મોરેને સાથળમાં વાગી હતી અને બે ગોળી બીજે ફાયર થઈ હતી. એ પછી પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં અક્ષય શિંદે ઘાયલ થયો હતો. તેના પર એક જ ગોળી ફાયર કરાઈ હતી. ઘાયલ નીલેશ મોરે અને અક્ષય શિંદેને ત્યાર બાદ કળવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ડૉક્ટરોએ અક્ષયને તપાસીને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલાયો હતો. નીલેશ મોરેને ત્યાર બાદ થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં સારવાર માટે શિફ્ટ કરાયો હતો. થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧માં અક્ષય શિંદે સામે તેની ભૂતપૂર્વ પત્નીએ જાતીય સતામણીની ફરિયાદ કરી હોવાથી એ ગુનાની તપાસ માટે તેને જેલમાંથી પૂછપરછ માટે થાણે લઈ જવામાં આવતો હતો ત્યારે આ ઘટના બની હતી.



પોલીસ પોતાનું રક્ષણ કરે કે નહીં? : દેવેન્દ્ર ફડણવીસ


રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘અક્ષય શિંદેની ભૂતપૂર્વ પત્નીએ તેની સામે સેક્સ્યુઅલ અસૉલ્ટની ફરિયાદ કરી એ સંદર્ભે પોલીસ અધિકારીઓ તેને તપાસ માટે તળોજાથી બદલાપુર લઈ જઈ​ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અક્ષયે પોલીસ-ઇન્સ્પેક્ટરની ગન ખેંચીને તેના પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી તેણે હવામાં પણ ફાયર કરી હતી. ત્યાર બાદ પોલીસે પોતાના રક્ષણ માટે અક્ષય પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને ગોળી વાગી હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતા. પ્રાથમિક માહિતી મુજબ તેનું મૃત્યુ થયું છે.’

પત્રકારોએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું કે વિરોધ પક્ષો આને એન્કાઉન્ટર કહી રહ્યા છે ત્યારે આપનું શું કહેવું છે? ત્યારે ફડણવીસે કહ્યું હતું કે ‘બદલાપુરની એ ઘટના બની ત્યારે આ જ વિરોધ પક્ષો આરોપીને ફાંસી આપવાની માગણી કરી રહ્યા હતા અને અત્યારે તેનો પક્ષ લઈ રહ્યા છે. આરોપી પોલીસ પર ફાયરિંગ કરે તો પોલીસ સ્વરક્ષણ કરે કે નહીં?’


દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.

આરોપી સામે મજબૂત પુરાવા હતા : ઉજ્જવલ નિકમ

બે બાળકીઓ પર થયેલા જાતીય અત્યાચારનો આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલવાનો હતો. બદલાપુર બળાત્કાર કેસમાં સરકાર તરફથી જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમની નિમણૂક કરવામાં આવી છે. અ​ક્ષય શિંદે પર થયેલા ગોળીબારની આ ઘટના બાદ તેમણે કહ્યું હતું કે ‘ગોળીબારની આ ઘટનાની જુડિશ્યલ ઇન્ક્વાયરી થશે એટલે એ બાબતે કશું કહેવું યોગ્ય નહીં કહેવાય. ઑફિશ્યલી માહિતી મારી પાસે નથી. કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે મારી વાત થઈ નથી. બળાત્કારના આ કેસમાં અત્યાર સુધીની તપાસમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે જેમાં જણાવ્યા મુજબ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને મજબૂત પુરાવા મળી આવ્યા હતા. એ સિવાય બન્ને બાળકીઓએ પણ તેને ઓળખપરેડમાં ઓળખી કાઢ્યો હતો. મારા અનુભવ પ્રમાણે કેટલાક આરોપીઓને ગુનો કર્યા બાદ પશ્ચાત્તાપ થતો હોય છે એટલે જાતે તેણે આ પગલું લીધું હોઈ શકે. આ પ્રકરણની જુડિશ્યલ ઇન્ક્વાયરી થશે પછી જ બધું સ્પષ્ટ થઈ શકશે.’

બદલાપુર બળાત્કાર ઘટના શું હતી?

બદલાપુરની જાણીતા આદર્શ વિદ્યામંદિર સ્કૂલના કિન્ડરગાર્ટનમાં ભણતી બે બાળકીઓ પર જાતીય અત્યાચાર કરવાનો આરોપી અક્ષય શિંદે પર આરોપ હતો. કિન્ડરગાર્ટનમાં નાનાં બાળકોને ટૉઇલેટમાં લઈ જવા માટે અને તેમને મદદ કરવા માટે મહિલા-સ્ટાફ રખાયો હતો. જોકે ઘણી વાર સફાઈ-કર્મચારીનું કામ કરતા અક્ષયને પણ એ કામ સોંપવામાં આવતું હતું. એક બાળકીએ તેના પેરન્ટ્સને જ્યારે કહ્યું કે તેને પ્રાઇવેટ પાર્ટમાં બળતરા થાય છે ત્યારે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી અને ત્યાં ડૉક્ટરે તેના પર જાતીય અત્યાચાર થયો હોવાનું કહ્યું હતું. એ પછી તે બાળકીના પેરન્ટ્સ પોલીસમાં પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી, પણ પોલીસે તેમને ફરિયાદ લેતાં પહેલાં ૧૨ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. ત્યાર બાદ અન્ય બાળકી સાથે પણ આરોપીએ અશ્લીલ કૃત્ય કર્યું હોવાની જાણ થઈ હતી. એ પછી લોકોમાં આ વાત ફેલાઈ જતાં લોકો પહેલાં સ્કૂલની બહાર ભેગા થયા હતા અને ત્યાર બાદ ત્યાંથી બદલાપુર સ્ટેશને પહોંચીને તેમણે આખો દિવસ રેલરોકો આંદોલન કર્યું હતું. આ આંદોલન બાદ સ્કૂલના મૅનેજમેન્ટ દ્વારા પ્રિન્સિપાલ, વર્ગશિક્ષક અને અન્યો સામે પગલાં લેવાયાં હતાં. પોલીસે ટ્રસ્ટના ચૅરમૅન અને સેક્રેટરી સામે પણ આ ઘટના વિશે પોલીસને જાણ ન કરી હોવાથી બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.

કોણ છે અક્ષય શિંદે?

અક્ષય શિંદેનો પરિવાર કર્ણાટકના ગુલબર્ગનો છે. જોકે અક્ષયનો જન્મ બદલાપુરના ખારીગાવમાં જ થયો હતો. અક્ષય દસમા ધોરણ સુધી ભણ્યો હતો. એ પછી તેણે એક સોસાયટીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કર્યું હતું. એ પછી તે કૉન્ટ્રૅક્ટર મારફત આદર્શ સ્કૂલમાં સફાઈ-કર્મચારી તરીકે જોડાયો હતો. અક્ષયનાં ત્રણ લગ્ન થયાં હતાં. જોકે તેની ત્રણે પત્નીઓ તેને છોડીને જતી રહી હતી. અક્ષયના પરિવારમાં હાલ તેનાં માતા-પિતા, મોટો ભાઈ અને ભાભી છે.

કોઈએ મારા દીકરાને પતાવી દેવા પોલીસને પૈસા આપ્યા હશે : અણ્ણા શિંદે

અ​ક્ષય શિંદેના મોતના સમાચાર મળ્યા બાદ તેના પિતાએ કહ્યું હતું કે ‘મારા દીકરાને મારી નાખવા કોઈએ પોલીસને પૈસા આપ્યા હશે. અત્યાર સુધી કેસમાં માત્ર ચાર્જશીટ જ ફાઇલ કરાઈ છે. હજી તો સુનાવણી પણ ચાલુ થઈ નથી ને તે મરી ગયો. આ શૂટઆઉટ બહુ શંકાસ્પદ લાગી રહ્યું છે. સ્કૂલ ઍડ્મિનિસ્ટ્રેશન પણ આ કેસમાં આરોપી છે છતાં તેમની સામે કોઈ ઍક્શન લેવાઈ નથી અને પોલીસે મારા દીકરાને મારી નાખ્યો. તેના મોતની તપાસ થવી જોઈએ.’

બદલાપુરમાં પેંડા વહેંચાયા અને આતશબાજી થઈ

બાળકીઓના રેપકેસમાં પકડાયેલા આશિષ શિંદેનું મૃત્યુ થવાની બાતમી મળતાં બદલાપુરના લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. લોકો રસ્તા પર ઊતરી પડ્યા હતા. મહિલાઓએ પેંડા વહેંચીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. અનેક લોકોએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી હતી

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK