ભારતીયોએ એક મજબૂત રાષ્ટ્ર બનાવવા એક થવું જોઈએ અને તમામ વિનાશકારી શક્તિઓને જવાબ આપવો જોઈએ.
ગઈ કાલે નાગપુરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, બાબા રામદેવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના મહાનુભાવો.
પતંજલિ આયુર્વેદના સહસ્થાપક બાબા રામદેવે ગઈ કાલે નાગપુરમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને ટૅરિફ ટેરરિઝમ ગણાવી હતી અને જણાવ્યું હતું કે ‘આ એક પ્રકારનો આર્થિક આતંકવાદ છે. તેઓ દુનિયાને એક અલગ યુગમાં લઈ જઈ રહ્યા છે. દુનિયામાં બની રહેલા ખતરનાક સંજોગો વચ્ચે આપણે ભારતને શક્તિશાળી અને વિકસિત બનાવવાની જરૂર છે, કારણ કે શક્તિશાળી દેશો દુનિયાને વિનાશની તરફ લઈ જવા ચાહે છે. તમામ ભારતીયોએ એક મજબૂત રાષ્ટ્ર બનાવવા એક થવું જોઈએ અને તમામ વિનાશકારી શક્તિઓને જવાબ આપવો જોઈએ.’
ડોનલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅક્સના મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ કોલોનાઇઝેશનનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે. જ્યારથી ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી તેમણે ટૅરિફ ટેરરિઝમમાં એક નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ગરીબ અને વિકાસશીલ દેશોને ધમકાવીને લોકતંત્રને ખતમ કરી દીધું છે.’

