ભાંડુપમાં માલિકનું લાખો રૂપિયાનું સોનું લઈને નાસી ગયેલા આરોપીની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપમાં સોનાના દાગીના બનાવતા એક કારખાનામાં સોમવારે એક યુવક માલિકે ડિલિવરી કરવા આપેલા ૫૪ લાખના દાગીના લઈ નાસી ગયો હતો, જેની ફરિયાદ ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ભાંડુપ પોલીસે આ કેસ માટે ત્રણ ટીમ તૈયાર કરીને આરોપીને પકડી પાડ્યો છે અને તેની પાસેથી તમામ દાગીના જપ્ત કર્યા છે. ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપીને દાગીના જોઈને લાલચ થઈ હતી અને એ કારણસર તેણે ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ‘ભાંડુપ (વેસ્ટ)માં લેક રોડ વિસ્તારમાં સોનાના દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા અંકિત કોઠારી પાસે છેલ્લાં બે વર્ષથી કામ કરતો ૫૪ વર્ષનો બિપિન મકવાણા સોમવારે બીજી પાર્ટી પાસે ડિલિવરી કરવા આપેલા દાગીના લઈને નાસી ગયો હતો. સોમવારે કલાકો વીતી જતાં બિપિન મકવાણાનો કોઈ પતો ન લાગતાં અંકિત કોઠારીએ ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં દાગીના ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે તેના ઘર સાથે તેના પરિવારજનોના ઘરે આરોપીની શોધ કરી હતી, પણ આરોપીનો કોઈ પતો લાગ્યો નહોતો. ત્યાર બાદ અમે આરોપીના કૉલ-રેકૉર્ડ કાઢ્યા હતા. એમાં આરોપી અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં જઈ તપાસ કરતાં આરોપી ત્યાંથી પણ નાસી ગયો હતો. ત્યાર બાદ અમારાં ગુપ્ત સૂત્રો પાસેથી આરોપીની માહિતી મળી હતી કે તે થાણેના નૈપાડા વિસ્તારમાં છે. ત્યાંથી અમે આરોપીની ધરપકડ કરી હતી.’
આ પણ વાંચો: ૫૪ લાખના ગોલ્ડ સાથે નોકર રફુચક્કર
ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્યામ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પાસેથી ૫૩ લાખ રૂપિયાના દાગીના અમે રિકવર કર્યા છે. આરોપીએ લાલચમાં આવીને ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. કોર્ટમાં હાજર કરતાં તેને કોર્ટ દ્વારા પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’

