પૂનમ માડમની મિલકતમાં ૧૩૦ કરોડ રૂપિયાનો વધારો, સી. આર. પાટીલની મિલકતમાં ૩૪ કરોડ રૂપિયાનો ઘટાડો
પૂનમ માડમ
૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે રિપીટ થયેલા ૧૦૨ સંસદસભ્યનાં સોગંદનામાંના વિશ્ળેષણ પછી તૈયાર થયેલો મિલકતનો અહેવાલ જાહેર થયો : રિપીટ થયેલા ગુજરાતના ૭ સંસદસભ્યની મિલકત વધી
ભારતના રિપીટ થયેલા ૧૦૨ સંસદસભ્યોએ ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામાના અભ્યાસ પરથી અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ગુજરાતના જામનગરના ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય પૂનમ માડમની મિલકતમાં ૧૩૦ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે, જ્યારે નવસારીના સંસદસભ્ય અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલની મિલકતમાં ૩૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. મિલકતના સૌથી વધુ વધારામાં પૂનમ માડમ ૧૦૨ સંસદસભ્યોમાં બીજા ક્રમે છે.
ADVERTISEMENT
૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે રિપીટ થયેલા ભારતના જુદા-જુદા રાજકીય પક્ષોના ૧૦૩ સંસદસભ્યમાંથી ૧૦૨ સંસદસભ્યના ચૂંટણી વખતે રજૂ કરેલા સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર વિશે ADR દ્વારા અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. ૧૦૨ સંસદસભ્ય પૈકી ૮ સંસદસભ્ય ગુજરાતના છે. ગુજરાતમાં રિપીટ થયેલા BJPના ૮ પૈકી ૭ સંસદસભ્યની મિલકતમાં વધારો થયો છે, જ્યારે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલની મિલકતમાં ઘટાડો થયો છે.
નંબર વન કોણ?
મિલકતના વધારામાં પહેલા ૧૦ સંસદસભ્યમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્રના સાતારા લોકસભા મતક્ષેત્રના BJPના સંસદસભ્ય શ્રીમંત ઉદયનરાજે પ્રતાપસિંહ મહારાજ ભોસલે છે. તેમની મિલકત ૨૦૧૪માં ૬૦ કરોડ બકી એ વધીને ૨૦૨૪માં ૨૨૩ કરોડ રૂપિયા થઈ છે.
ગુજરાતના ૮ સંસદસભ્યોનો રિપોર્ટ
(૧) જામનગર લોકસભા મતવિસ્તારનાં સંસદસભ્ય પૂનમ માડમની મિલકત ૨૦૧૪માં ૧૭,૪૩,૭૨,૨૪૯ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૧૪૭,૭૦,૦૨,૩૪૧ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૧૩૦,૨૬,૩૦,૦૯૨ રૂપિયાનો વધારો થયો છે.
(૨) કચ્છ લોકસભા મતવિસ્તારના વિનોદ ચાવડાની મિલકત ૨૦૧૪માં ૫૬,૧૮,૬૪૩ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૭,૦૯,૮૦,૧૪૭ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૬,૫૩,૬૧,૫૦૪ રૂપિયાનો વધારો થયો છે.
(૩) બારડોલી લોકસભા મતવિસ્તારના પ્રભુ વસાવાની મિલકત ૨૦૧૪માં ૧,૫૯,૦૯,૯૫૭ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૪,૭૦,૦૩,૫૦૬ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૩,૧૦,૯૩,૫૪૯ રૂપિયાનો વધારો થયો છે.
(૪) દાહોદ લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય જસવંત ભાભોરની મિલકત ૨૦૧૪માં ૧,૯૬,૬૧,૨૩૧ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૪,૮૪,૦૪,૮૬૧ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૨,૮૭,૪૩,૬૩૦ રૂપિયાનો વધારો થયો છે.
(૫) જૂનાગઢ લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય રાજેશ ચુડાસમાની ૨૦૧૪માં મિલકત ૭૪,૪૬,૦૫૯ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૩,૩૪,૫૨,૮૧૨ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૨,૬૦,૦૬,૭૫૩ રૂપિયાનો વધારો થયો છે.
(૬) ખેડા લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણની મિલકત ૨૦૧૪માં ૯૪,૨૬,૩૭૬ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૩,૪૯,૭૬,૫૭૨ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૨,૫૫,૫૦,૧૯૬ રૂપિયાનો વધારો થયો છે.
(૭) ભરૂચ લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય મનસુખ વસાવાની ૨૦૧૪માં મિલકત ૬૫,૭૧,૦૬૨ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૨,૫૪,૯૯,૮૦૮ રૂપિયા થઈ હતી એટલે તેમની મિલકતમાં ૧,૮૯,૨૮,૭૪૬ રૂપિયાનો વધારો થયો છે.
(૮) નવસારી લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય સી. આર. પાટીલની ૨૦૧૪માં મિલકત ૭૪,૪૭,૬૧,૧૩૩ રૂપિયા હતી જે ૨૦૨૪માં ૩૯,૪૯,૩૦,૦૪૪ રૂપિયા થઈ હતી. આથી તેમની મિલકત ઘટીને ૩૪,૯૮,૩૧,૦૮૯ રૂપિયા થઈ છે.


