ડિનો મોરિયા લાંબા સમયથી આ કેસના સંદર્ભમાં ચર્ચામાં છે
ગઈ કાલે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગમાં આવતો ડિનો મોરિયા
અભિનેતા ડિનો મોરિયાની મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા મીઠી નદીનો કાંપ દૂર કરવાના (ડીસિલ્ટિંગ) ૬૫ કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધમાં ગઈ કાલે પૂછપરછ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓની તપાસના ભાગરૂપે તપાસ ચાલી રહી છે.
તપાસકર્તાઓએ બાંદરામાં આવેલા તેના નિવાસસ્થાને તેની પૂછપરછ કરીને અમુક દસ્તાવેજોની ચકાસણી કરી હતી. ત્યાર બાદ તેને EOWની ઑફિસમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી. એને પગલે ડિનો મોરિયાની ધરપકડ થઈ હોવાની અફવા પણ ઊડી હતી. જોકે ડિનો મોરિયાએ આ વાતને રદિયો આપ્યો હતો.
ADVERTISEMENT
ડિનો મોરિયા લાંબા સમયથી આ કેસના સંદર્ભમાં ચર્ચામાં છે. ગયા વર્ષે જૂનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પણ તેના ઘરે જઈને લગભગ ૧૪ કલાક સુધી સર્ચ-ઑપરેશન કર્યું હતું. ઉપરાંત ED દ્વારા ડિનોના ભાઈના ઘરની તેમ જ કૉન્ટ્રૅક્ટરો અને વચેટિયાઓનાં સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી.
ડિનો મોરિયા પર કેમ છે શંકાની સોય?
EOWને જાણવા મળ્યું હતું કે ડિનો મોરિયાનો ભાઈ સેન્ટિનો મોરિયા ડિરેક્ટર છે એ કંપનીમાં ૧૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસ-અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રકમ કેતન કદમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે આ કેસના મુખ્ય આરોપીઓમાંનો એક છે. મીઠી નદીમાંથી કાંપ દૂર કરવાના કૌભાંડમાં તેની કથિત સંડોવણી બદલ ૨૦૨૫માં કેતન કદમની ધરપકડ કરવામાં આવી હતી.
