સોસાયટીમાં કામ કરતા ઘરનોકરો અને સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
લોઅર પરેલના ઇન્ડિયા બુલ્સ સ્કાય ફૉરેસ્ટના એક પૉશ અપાર્ટમેન્ટમાં ફુલ સિક્યૉરિટી હોવા છતાં ત્યાં રહેતી એક મૉડલના ફ્લૅટમાં તેની ગેરહાજરીમાં થયેલી ૧૫.૩૦ લાખ રૂપિયાની રોકડ અને સોનાની ચોરીએ સ્થાનિક રહેવાસીઓને ચોંકાવી દીધા છે. પોલીસે ચોરીનો ગુનો નોંધીને ગુનેગારોને શોધવા માટે બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવાનું શરૂ કરી દીધું છે.
આ બાબતે માહિતી આપતાં એન. એમ. જોશી માર્ગ પોલીસે કહ્યું હતું કે ‘મૂળ કર્ણાટકના હુબલીની રહેવાસી નિકિતા નીલ બારડ આ સોસાયટીમાં તેના ફ્લૅટમાં એકલી રહે છે. નિકિતા તેના નાના ભાઈ અંકિત સાથે ૧૨ ડિસેમ્બરે તેના વતન ગઈ હતી. તે ૯ જાન્યુઆરીએ રાતે ૯ વાગ્યે મુંબઈ પાછી આવી હતી. એના બીજા દિવસે કબાટ ખોલતાં ખબર પડી કે તેના સોનાના દાગીના અને રોકડ રૂપિયા ગાયબ હતા. તેણે તરત પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. અમને શંકા છે કે ચોરોને તે ઘરે ન હોવાની જાણ હશે અને એનો તેમણે લાભ લીધો હતો. અમે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમો શકમંદોને ઓળખવા અને તેમની ધરપકડ ઝડપી કરવા CCTVનાં ફુટેજનું વિશ્લેષણ કરવામાં સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે તથા સોસાયટીમાં કામ કરતા ઘરનોકરો અને સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.’

