સેમેસ્ટર પરીક્ષાના પરિણામથી નિરાશ થઈને ગળેફાંસો ખાધો
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં રહેતી ૧૫ વર્ષની ગુજરાતી ટીનેજરે શનિવારે રાતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ મામલે સમતાનગર પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ટીનેજર કાંદિવલીની એક જાણીતી સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. બોર્ડની પરીક્ષાઓને હજી વાર છે, પરંતુ તાજેતરમાં જ સ્કૂલમાં લેવાયેલી આંતરિક સેમેસ્ટર પરીક્ષાનું પરિણામ શનિવારે આવ્યું હતું. આ પરિણામમાં અપેક્ષા કરતાં ઓછા માર્ક્સ આવતાં તે માનસિક તનાવ અને નિરાશામાં સરી પડી હતી જેને કારણે તેણે આવું પગલું ભર્યું હોવાની શક્યતા સામે આવી છે.
સમતાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જયવંત શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાત્રે ટીનેજર ઊંઘવા જઉં છું એમ કહીને પોતાના બેડરૂમમાં ગઈ હતી અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. પછી તેણે દુપટ્ટા વડે સીલિંગ ફૅન સાથે લટકીને આત્યંતિક પગલું ભરી લીધું હતું. મોડી રાત્રે દોઢ વાગ્યે પરિવારના સભ્યોએ બેડરૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અંતે પરિવારે બીજી ચાવી વડે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તે પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર અર્થે કાંદિવલી-વેસ્ટમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ મોડી રાત્રે ૨.૨૨ વાગ્યે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ વિશે ઘટનાસ્થળ પર પહોંચીને અમે પંચનામું કર્યું છે. આ ઘટના વિશે ADR દાખલ કરીને, પંચનામું કરીને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે. ટીનેજર તેનાં મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. તેના પપ્પા બિઝનેસમૅન છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. ટીનેજરના પિતાએ પ્રાથમિક સ્ટેટમેન્ટમાં કોઈના પર શંકા વ્યક્ત કરી નથી. હાલમાં અમે પરિવારનાં નિવેદનોના આધારે આગળની કાનૂની તપાસ ચાલુ રાખી છે.’
