ફાયર બ્રિગેડના જવાનો ફાયર એન્જિન લઈને આવી પહોંચ્યા હતા
આગની તસવીર
બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની સામે એસ. વી. રોડ પર આવેલી મંગલકુંજ સોસાયટીના કમ્પાઉન્ડના પાર્કિંગ-લૉટમાં પાર્ક કરાયેલાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર ગઈ કાલે બપોરે ૩.૪૫ વાગ્યે લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં જ હોહા મચી ગઈ હતી અને જે ટૂ-વ્હીલરો ત્યાંથી ખસેડી શકાય એમ હતાં કે બચાવી શકાય એમ હતાં એમને લોકોએ ખસેડીને દૂર કર્યાં હતાં. બહુ ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી અને એક પછી એક ટૂ-વ્હીલર એમાં સળગતું જતું હતું. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. બાજુના મકાનની પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો છંટકાવ કરાયો હતો. આ ઉપરાંત ડોલે-ડોલે લાવીને પણ પાણી નાખવામાં આવ્યું હતું. એ પછી ફાયર બ્રિગેડના જવાનો ફાયર એન્જિન લઈને આવી પહોંચ્યા હતા અને તેમણે પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી. એમ છતાં આ આગમાં ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં. આગમાં કોઈ જાનહાનિના કે જખમી થવાના અહેવાલ નથી.