વિક્રોલીમાં અન્ડરકન્સ્ટ્રક્શન સાઇટ પર છજાનો ભાગ તૂટી પડતાં પિતા-પુત્રનાં મોત
ગઈ કાલે દાદરની હિન્દમાતા ક્લૉથ માર્કેટમાં પાણી ભરાઈ ગયાં હતાં જેને પગલે દુકાનદારોએ ગાર્મેન્ટ્સ બહાર સૂકવવાં પડ્યાં હતાં.
મુંબઈમાં રવિવારે ચોમાસું બેઠું હતું અને રાત્રે પડેલા ભારે વરસાદે મુંબઈના વિક્રોલી વેસ્ટમાં પિતા-પુત્રનો ભોગ લીધો હતો. વિક્રોલી વેસ્ટના પાર્કસાઇટ વિસ્તારમાં કૈલાસ કૉમ્પ્લેક્સમાં એક અન્ડરકન્સ્ટ્રશન સાઇટ પર ૩૮ વર્ષનો નાગેશ રેડ્ડી સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. રવિવારે રાત્રે તેનો ૧૦ વર્ષનો દીકરો રોહિત તેને જમવાનો ડબ્બો આપવા આવ્યો હતો, પણ એ વખતે ધોધમાર વરસાદ પડવા માંડતાં તે ત્યાં જ ઊભો રહી ગયો હતો. તેઓ અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આવેલી દુકાનની નીચે ઊભા હતા ત્યારે છજાનો ભાગ તૂટીને તેમના પર પડ્યો હતો. કોઈ વ્યક્તિએ એ જોયા પછી તરત આ બાબતે પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘાયલ નાગેશ અને રોહિતને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ ફાયર-બ્રિગેડે એ છજાનો ભાગ તૂટ્યા પછી જોખમી રીતે લટકી રેહલા લોખંડના બીમ અને સ્લૅબના ટુકડાને તોડી પાડ્યા હતા જેથી બીજી કોઈ દુર્ઘટના ન થાય. પાર્કસાઇટ પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટની નોંધ કરી હતી