બસ પરબ ચૌકથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ તરફ જઈ રહી હતી એ વખતે ફતેહ બિલ્ડિંગ સામે બસ જ્યારે સ્ટૉપ પર ઊભી રહી ત્યારે બસમાંથી ૮૬ વર્ષનાં અસ્મા અંતરી બસમાંથી ઊતર્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
માઝગાવ અને ભાયખલાને જોડતી લવ લેનમાં ગઈ કાલે સવારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની એક બસની અડફેટે આવતાં એક વૃદ્ધાનું મોત થયું હતું. ભાયખલા પોલીસે બસ-ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાયખલા પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે બની હતી. બસ પરબ ચૌકથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ તરફ જઈ રહી હતી એ વખતે ફતેહ બિલ્ડિંગ સામે બસ જ્યારે સ્ટૉપ પર ઊભી રહી ત્યારે બસમાંથી ૮૬ વર્ષનાં અસ્મા અંતરી બસમાંથી ઊતર્યાં હતાં. તેઓ બસની આગળથી જ રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે ડ્રાઇવરે અજાણતાં જ તેમને જોયા વિના બસ સ્ટાર્ટ કરી દીધી હતી જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં અસ્માબહેનનું મૃત્યુ થયું હતું. અમે બસ-ડ્રાઇવરની ધરપકડ કરી છે. અમે એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.’


