બૉલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા અંધાધૂંધ ગોળીબારના કેસમાં મુંબઈ પોલીસની તપાસ અત્યંત ઝડપી બની છે.
ટાઇગર શ્રોફ
બૉલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા અંધાધૂંધ ગોળીબારના કેસમાં મુંબઈ પોલીસની તપાસ અત્યંત ઝડપી બની છે. હરિયાણાના સોનીપતમાંથી સમીર નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે આ સમગ્ર ષડ્યંત્રના હુમલાખોરો સાથે કમ્યુનિકેશન માટે જવાબદાર માનવામાં આવે છે. પોલીસતપાસમાં ખુલાસો થયો છે કે સમીરે જ ગોળીબાર કરનારા શૂટરો અને કૅલિફૉર્નિયાસ્થિત લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના કુખ્યાત ઑપરેટિવ અનિલ પંડિત વચ્ચે સંપર્ક સ્થાપિત કરાવ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ સફળતા સાથે જ કેસમાં ઝડપાયેલા કથિત આરોપીઓ અને સંદિગ્ધોની કુલ સંખ્યા વધીને ૬ પર પહોંચી ગઈ છે, જેનાથી સમગ્ર કાવતરાના વાસ્તવિક માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાના દરવાજા ખૂલ્યા છે.
આ હુમલાને અંજામ આપનારા ૩ મુખ્ય શૂટરો ફૂલ સિંહ, રેહાન અને હૃતિક કુમારની રાજસ્થાનના કોટાથી અગાઉથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ શૂટરોને કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે કોટાના રેલવે કૉલોની પોલીસ-સ્ટેશનમાં રાખ્યા પછી મુંબઈ લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર-ગુજરાત બૉર્ડર પરથી પણ બે અન્ય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ મુખ્ય હુમલાખોરો રેહાન અને ફૂલ સિંહ બનાવના લગભગ એક મહિના પહેલાંથી જ મુંબઈ આવીને રોકાયા હતા. ત્યાર બાદ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને રસ્તાઓથી માહિતગાર એવા હૃતિક કુમારને તેમની સાથે જોડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
હાલમાં મુંબઈ પોલીસની સ્પેશ્યલ સ્ક્વૉડ અનિલ પંડિતના વૈશ્વિક નેટવર્ક, હથિયારો સપ્લાય કરનાર કડીઓ અને મુંબઈમાં હાજર સંભવિત મદદગારોનો પર્દાફાશ કરવા માટે સઘન તપાસ કરી રહી છે.
નોકરી અને વિદેશ જવાની લાલચે યુવકોએ ગન ઉપાડી
આરોપીઓની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે શૂટરોને પૈસાની સાથે-સાથે વિદેશમાં સ્થાયી કરવાની લાલચ આપીને રિક્રૂટ કરવામાં આવ્યા હતા. રેહાનને ૩૫,૦૦૦ રૂપિયા રોકડા અને વિદેશ જવાની તકનું વચન અપાયું હતું, જ્યારે હૃતિકને આકર્ષક નોકરીની ખાતરી આપવામાં આવી હતી. કૅલિફૉર્નિયાથી કાર્યરત અનિલ પંડિતે ઑનલાઇન માધ્યમથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને કોઈ પણ ID વગર ચાલતી જાગી ઍપ્લિકેશન દ્વારા તેમની સાથે ગુપ્ત સંવાદ રાખતો હતો. હુમલા માટેનાં હથિયારો શૂટરોને સીધાં આપવાને બદલે ચોક્કસ ડ્રૉપ લોકેશન (કચરાપેટી નજીક) પરથી પિક-અપ કરવા કહેવાયું હતું. હુમલા બાદ અનિલ પંડિતે એક ઑડિયો-સંદેશ જાહેર કરીને આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી અને સલમાન ખાન સાથે કામ કરનારાઓને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
