૧૭ જૂનથી ૨૪ જૂન સુધી કડક રીતે તકેદારીને કારણે દાણચોરી દ્વારા વિવિધ સ્વરૂપોમાં છુપાયેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
મુંબઈ કસ્ટમ્સે જપ્ત કરેલું સોનું અને વિદેશી ચલણ.
મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓએ એક અઠવાડિયામાં વિવિધ કેસોમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ (CSMI) ઍરપોર્ટ પરથી ૬.૮૪ કરોડ રૂપિયાનું ૧૦.૯૦ કિલો સોનું અને ૧૭ લાખ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે. એની સાથે દાણચોરીના આરોપમાં સંડોવાયેલા પાંચ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૭ જૂનથી ૨૪ જૂન સુધી કડક રીતે તકેદારીને કારણે દાણચોરી દ્વારા વિવિધ સ્વરૂપોમાં છુપાયેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીમાંના બે દુબઈથી અને બાકીના કુવૈત, મસ્કત અને લખનઉથી મુસાફરી કરીને મુંબઈ આવ્યા હતા એમ જણાવતાં કસ્ટમ્સના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ધરપકડ કરાયેલા પાંચ મુસાફરો ૨૪ કૅરૅટ સોનાની ધૂળ બનાવી એને વિવિધ જગ્યાએ સંતાડીને લાવ્યા હતા. તેમનાં અન્ડરગાર્મેન્ટ્સમાં, કપડાંના સ્તરો વચ્ચે, ચંપલની નીચે અને શરીરમાં છુપાવી તેમણે સોનાની દાણચોરી કરી હતી. આ ઉપરાંત મુંબઈથી બહારગામ જઈ રહેલા એક વિદેશી નાગરિકને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ૨૦,૭૫૭ ડૉલર એટલે કે ૧૭,૧૪,૫૨૮ રૂપિયા સંતાડેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત દુબઈ, અબુ ધાબી, બૅન્ગકૉક, સિંગાપોર, જકાર્તા અને શારજાહથી મુસાફરી કરી રહેલા ૧૦ ભારતીયોને અટકાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી શરીરની અંદર અને શરીર પર ચોંટાડીને છુપાવેલું ૩૮૩૧ ગ્રામ સોનું મળી આવ્યું હતું. જપ્ત કરાયેલાં પાઉચમાંથી એક અરાઇવલ ઇમિગ્રેશન હૉલ પાસેના વૉશરૂમમાં મળ્યું હતું અને બીજું પૅકેટ CSMI ઍરપોર્ટના અરાઇવલ હૉલમાં સફાઈ દરમ્યાન મળી આવ્યું હતું.