બે વર્ષથી થતા શારીરિક શોષણથી કંટાળીને યુવતીએ હુમલો કર્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા સંતોષ ભુવન વિસ્તારના સર્વોદયનગરમાં ગઈ કાલે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં ૨૪ વર્ષની એક યુવતીએ તેના સાવકા પિતા પર ચાકુથી હુમલો કરીને તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા રમેશ ભારતીને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે, જ્યારે તેની સાવકી પુત્રીની હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
નાલાસોપારાના તુળીંજ પોલીસના જણાવ્યા મુજબ ૨૪ વર્ષની આરોપી યુવતીની મમ્મીએ રમેશ નામના માણસ સાથે બીજાં લગ્ન કર્યા બાદ યુવતી મમ્મી અને સાવકા પિતા સાથે સર્વોદયનગરમાં આવેલી એક બેઠી ચાલમાં રહે છે. રમેશ બે વર્ષથી સાવકી પુત્રીનું શારીરિક શોષણ કરતો હતો એટલે યુવતી પરેશાન હતી. ગુસ્સે ભરાયેલી આ યુવતીએ પિતા ફરી શારીરિક સંબંધ બાંધવાલાયક ન રહે એ માટે તેનું ગુપ્તાંગ જ કાપી નાખવાનો પ્લાન કર્યો હતો. સોમવારે બપોરે સાવકા પિતાએ ફરી એક વખત શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવતીએ ચાકુથી તેના પર હુમલો કર્યો હતો અને તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. આથી ચોંકી ગયેલો રમેશ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં દોડી ગયો હતો. યુવતી તેની પાછળ દોડી હતી અને ચાકુના બીજા ચાર-પાંચ ઘા મારી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રમેશને પહેલાં નાલાસોપારાની અને ત્યાર બાદ કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. સાવકા પિતા પર હુમલો કરવાના આરોપસર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. તેણે કહ્યું કે રમેશ બે વર્ષથી તેનું શારીરિક શોષણ કરતો હતો અને પોતાનાથી આ સહન નહોતું થતું એટલે ચાકુથી તેના પર હુમલો કર્યો હતો.

