મુંબઈથી સાતારા જવા નીકળેલો, પણ પહોંચ્યો જ નહીં : પપ્પા ટ્રેનમાં બેસાડવા ગયેલા ત્યારે સામે બેઠેલા એક યુવાનને કહ્યું હતું કે મારા દીકરાને સાતારા ઉતારી દેજે
ગૌરવ
દાદર-ઈસ્ટની નાયગાંવ પોલીસ-વસાહતમાં રહેતો ૧૬ વર્ષનો ગૌરવ નનાવરે શનિવારે સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી સાતારા જવા માટે ટ્રેનમાં બેસ્યા બાદ ગુમ થયો હોવાની ફરિયાદ દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ગઈ કાલે નોંધાઈ હતી. RAK માર્ગ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર નનાવરેએ પુત્ર ગૌરવને સાતારા ઉતારી દેવા માટે અજાણી વ્યક્તિ પર ભરોસો કર્યો હતો જે તેને ભારી પડ્યો હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે આ કેસમાં મુંબઈના CSMTથી સાતારા સુધીનાં તમામ સ્ટેશનોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ અને સાતારા વચ્ચે આવતા દરેક સ્ટેશન પર મેં મારા પુત્રને શોધ્યો હતો પણ તેનો કોઈ પત્તો મને મળ્યો નથી, મારી એક ભૂલને કારણે આજે મારો પુત્ર મારી પાસે નથી એમ જણાવતાં પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર નનાવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌરવની પરીક્ષા પૂરી થઈ જતાં તેને હાલમાં રજાઓ પડી ગઈ હતી. તેને મુંબઈમાં કંટાળો આવતો હોવાથી મેં તેને સાતારાના મારા બીજા ઘરે મોકલવાનું નક્કી કર્યું હતું. શનિવારે સવારે તેને લઈને હું સાતારા જવા માટે CSMTથી કોયના એક્સપ્રેસ ટ્રેનમાં બેસ્યો હતો. જોકે એ જ ટ્રેનમાં સામે બેસેલો યુવાન સાતારા જ જઈ રહ્યો હોવાનું મને કહેતાં મેં તેને ગૌરવને સાતારા ઉતારી દેવા માટે કહ્યું હતું. એ અનુસાર મેં મારા ભાઈને ફોન કરીને બપોરે સ્ટેશન પર જઈને ગૌરવને લઈ આવવા માટે પણ કહ્યું હતું. દાદર સ્ટેશન આવતાં હું ઊતરીને પોલીસ-સ્ટેશનમાં ફરજ પર ચાલ્યો ગયો હતો. બપોરે જ્યારે મેં મારા ભાઈને ફોન કરીને પૂછયું ત્યારે ગૌરવ સ્ટેશન પર ન ઊતર્યો હોવાનું તેણે મને કહ્યું હતું. એટલે મેં તાત્કાલિક દાદર સ્ટેશન પર જઈને તપાસ કરી હતી. જોકે ગૌરવનો કોઈ પત્તો ન લાગતાં મેં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
મુંબઈથી સાતારા વચ્ચે આવતા દરેક રેલવે-સ્ટેશનનાં CCTV કૅમેરાનાં ફુટેજો તપાસવામાં આવી રહ્યાં છે એમ જણાવતાં દાદર GRPના એક સિનિયર-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ બીજાને શિખામણ આપે કે અજાણ્યા માણસ પર ભરોસો ન કરવો, પણ આ તો પોલીસે જ બેદરકારી કરી છે. આ મામલે કિશોરને શોધવા માટે અમે ટેક્નિકલ ટીમ દ્વારા પણ તપાસ કરી રહ્યા છીએ.’

