ડૉક્ટરોએ તપાસીને આયુષ મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. આયુષના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં તેનું અવસાન હાર્ટ-અટૅક આવવાથી થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હિન્દુ સ્કૂલના આઠમા ધોરણમાં ભણતા ૧૪ વર્ષના આયુષ ધર્મેન્દ્ર સિંહ નામના સ્ટુડન્ટનું મંગળવારે સાંજે હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં આવેલી હિન્દી મીડિયમની ૭૬ નંબરની સ્કૂલના આઠમા અને નવમા ધોરણના ૧૦૧૮ સ્ટુડન્ટ્સને મંગળવારે ખોપોલીમાં આવેલા ઇમેજિકા થીમ પાર્કમાં વન-ડે પિકનિક માટે લઈ જવામાં આવ્યા હતા. સાંજે ૫.૩૦ વાગ્યે બધા સ્ટુડન્ટ થીમ પાર્કમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ૧૪ વર્ષના આયુષ સિંહને ચક્કર આવતાં તે બેન્ચ પર બેસી ગયો હતો. થોડી મિનિટ બાદ આયુષ બેન્ચ પરથી નીચે પડી ગયો હતો. આયુષને તાત્કાલિક પ્રાઇમરી આરોગ્ય સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તપાસીને આયુષ મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. આયુષના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં તેનું અવસાન હાર્ટ-અટૅક આવવાથી થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
આયુષનાં માતા-પિતાએ કહ્યું હતું કે સવારે સ્કૂલમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે આયુષને કોઈ તકલીફ નહોતી, તેને કોઈ બીમારી નહોતી તો અચાનક તેનું મૃત્યુ કેવી રીતે થઈ ગયું?
ADVERTISEMENT
નવી મુંબઈના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાનિક નેતા ગજાનન કાળેએ આરોપ કર્યો છે કે ‘સુધરાઈ સંચાલિત સ્કૂલના પાંચથી નવ ધોરણના સ્ટુડન્ટ્સની વર્ષમાં એક વખત શૈક્ષણિક ટૂર કાઢવાનો નિયમ છે. આ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ઇમેજિકા થીમ પાર્કમાં પિકનિક કરવાનો સમાવેશ થતો નથી. આમ છતાં સ્કૂલના શિક્ષકોએ થીમ પાર્કની પસંદગી શા માટે કરી હતી એ સવાલ છે.’

