બ્લૅક સીમાં સીઝફાયર લાગુ થશે : સાઉદી અરેબિયાના રિયાધમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી
ટ્રમ્પ અને પુતિન
અમેરિકા અને રશિયા વચ્ચે ૨૩થી ૨૫ માર્ચ સુધી સાઉદી અરેબિયાના રિયાધમાં દ્વિપક્ષીય વાતચીતનું આયોજન થયું હતું. આ વાતચીતમાં બન્ને દેશ વચ્ચે કેટલાંક મહત્ત્વનાં પાસાં પર સહમતી સધાઈ, જેમાં બ્લૅક સીમાં સુરક્ષિત નેવિગેશનની વ્યવસ્થા, બળનો પ્રયોગને સમાપ્ત કરવો અને વ્યાવસાયિક જહાજોના સૈન્ય-ઉદ્દેશ્યો માટે ઉપયોગ અટકાવવાની બાબત સામેલ છે.
અમેરિકાએ મંગળવારે એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર બાદ હવે બ્લૅક સીમાં સીઝફાયર લાગુ થશે અને યુક્રેનમાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલા પણ અટકશે. અમેરિકા હવે રશિયાને વૈશ્વિક કૃષિ અને ખાતર બજારોમાં ફરી સ્થાપિત કરવામાં મદદ કરશે અને કાયમી શાંતિ-વાર્તાને પણ પ્રોત્સાહિત કરશે. આ સિવાય દરિયાઈ વીમા-ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને પેમેન્ટ સિસ્ટમ પરના પ્રતિબંધ હટાવાશે.

