અફઘાનિસ્તાનમાં બે વર્ષથી કેદ અમેરિકન નાગરિકને મુક્ત કરવા બદલ ટ્રમ્પે લીધો નિર્ણય
ડોનલ્ડ ટ્રમ્પ
તાલિબાન સરકાર હેઠળ અફઘાનિસ્તાનમાં અમેરિકાની રણનીતિમાં નવો વળાંક આવ્યો છે. હાલમાં જ તાલિબાને બે વર્ષથી કેદ એક અમેરિકન નાગરિક જ્યૉર્જ ગ્લેજમૅનને ગયા અઠવાડિયે મુક્ત કર્યો હતો. ત્યાર બાદ તરત અમેરિકાએ દરિયાદિલી બતાવતાં તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાની, અબ્દુલ અઝીઝ હક્કાની, યાહ્યા હક્કાની પર રાખેલું ઇનામ હટાવી લીધું. આ નિર્ણય વૈશ્વિક મંચ પર તાલિબાન માટે એક મહત્ત્વપૂર્ણ જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, જે તેમના આંતરરાષ્ટ્રીય અલગતાને ઘટાડવા તરફ આગળ વધવાની શક્યતા છે. આ વિશે અમેરિકન વિદેશપ્રધાન માર્કો રૂબિયો અને અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે પુષ્ટિ કરી છે.
કોણ છે સિરાજુદ્દીન હક્કાની?
ADVERTISEMENT
સિરાજુદ્દીન હક્કાની ‘હક્કાની નેટવર્ક’ના મુખ્ય નેતા અને અફઘાનિસ્તાનના આંતરિક પ્રધાન છે. ૨૦૦૮માં કાબુલની સેરેના હોટેલ પર હુમલાની યોજના બનાવવા માટે કુખ્યાત, જેમાં એક અમેરિકન નાગરિક સહિત છ જણનાં મોત થયાં હતાં. હક્કાની નેટવર્ક તાલિબાનનું સૌથી ખતરનાક ઘટક માનવામાં આવે છે, જે આત્મઘાતી હુમલા, બૉમ્બવિસ્ફોટ અને અપહરણમાં સામેલ રહ્યું છે. અમેરિકન સરકારે તેમના માથે ૧૦ મિલ્યન ડૉલર (લગભગ ૮૩ કરોડ રૂપિયા)નું ઇનામ રાખ્યું હતું. જોકે FBIની વૉન્ટેડ યાદીમાં હજી તેમનું નામ યથાવત્ છે, જે દર્શાવે છે કે અમેરિકાનું પગલું સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. યાદીમાં કહેવાયું છે કે હક્કાની પર અફઘાનિસ્તાનસ્થિત અમેરિકન અને NATO સૈનિકો વિરુદ્ધ હુમલાની વ્યવસ્થા કરવામાં તેમ જ એમાં સામેલ થવાનો આરોપ છે.

