તેમણે અમેરિકન સરકારને તમામ શિપિંગ કંપનીઓને વાજબી ભાવે જોખમ વીમો પૂરો પાડવાનો પણ આદેશ આપ્યો હતો.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન નેવી વિશ્વમાં ઊર્જાનો મુક્ત પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે જરૂર પડ્યે હોર્મુઝ ખાડીના માર્ગે જતાં ઑઇલ ટૅન્કરોને એસ્કોર્ટ આપવાનું શરૂ કરશે. મિડલ ઈસ્ટ યુદ્ધ દરમ્યાન ઈરાને હોર્મુઝની ખાડીને બંધ કરી દીધી છે, જેને કારણે વૈશ્વિક તેલના ભાવમાં વધારો થયો છે. તેમણે અમેરિકન સરકારને તમામ શિપિંગ કંપનીઓને વાજબી ભાવે જોખમ વીમો પૂરો પાડવાનો પણ આદેશ આપ્યો હતો.
ઈરાન પર હુમલો કરવા પોતાના બેઝનો ઉપયોગ કરવાની ના પાડી એટલે સંબંધ તોડવાની પ્રતિજ્ઞા લીધી અમેરિકન પ્રેસિડન્ટે
ADVERTISEMENT
ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાને પોતાના બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવા બદલ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સ્પેનની ટીકા કરી છે. આ મુદ્દે ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘અમે સ્પેનના વલણથી અસંતુષ્ટ છીએ. અમેરિકા સ્પેન સાથેના તમામ વેપારસંબંધોનો અંત લાવી શકે છે. અમે સ્પેન સાથે કોઈ લેવાદેવા રાખવા માગતા નથી.’ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ઈરાન પર અમેરિકી અને ઇઝરાયલી હુમલાઓની નિંદા કરીને આ હુમલાને એકપક્ષીય લશ્કરી કાર્યવાહી ગણાવી હતી અને કહ્યું હતું કે એ વૈશ્વિક અસ્થિરતામાં વધારો કરી રહ્યું છે. સ્પેનના વિદેશપ્રધાન જોસ મૅન્યુઅલ આલ્બારેસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્પૅનિશ મિલિટરી બેઝનો ઉપયોગ યુનાઇટેડ નેશન્સના ચાર્ટરનું ઉલ્લંઘન કરતી કોઈ પણ વસ્તુ માટે કરવામાં આવશે નહીં.
ઈરાને ટર્કી પર મિસાઇલ છોડી, નાટોની ઍર ડિફેન્સ સિસ્ટમે એને તોડી પાડી
ટર્કીના સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં નાટો ઍર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવતી ઈરાનથી છોડવામાં આવેલી બૅલિસ્ટિક મિસાઇલને ટર્કીના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતી વખતે તોડી પાડવામાં આવી હતી. મિસાઇલ ઈરાકી અને સિરિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી શોધી કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ટર્કી એની વિરુદ્ધ કોઈ પણ પ્રતિકૂળ કાર્યવાહીનો જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે. બહુમતી સુન્ની મુસ્લિમ રાષ્ટ્ર ટર્કી નાટોનું સભ્ય છે. ટર્કી ઈરાન સાથે ૫૦૦ કિલોમીટરની સરહદ ધરાવે છે.
ડોનલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનારા ઈરાની અધિકારીને અમેરિકાએ મારી નાખ્યો હોવાનો પેન્ટાગૉનનો દાવો
અમેરિકાના સૈન્યએ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરા પાછળ એક યુનિટનું નેતૃત્વ કરનાર ઈરાની અધિકારીને મારી નાખ્યો છે એવી જાહેરાત પેન્ટાગૉને ગઈ કાલે કરી હતી. આ અનામી ઈરાની અધિકારીની હત્યાની જાહેરાત પેન્ટાગૉનમાં ઈરાન સાથેના ૪ દિવસ જૂના યુદ્ધના ઑપરેશનલ અપડેટ દરમ્યાન કરવામાં આવી હતી. આ સંદર્ભમાં અમેરિકાના સંરક્ષણપ્રધાન પીટ હેગસેથે મંગળવારે આ ઈરાની નેતાની હત્યા થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એમ છતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ ઈરાની અધિકારી યુદ્ધનું પ્રારંભિક ફોકસ નહોતો. પ્રેસિડન્ટ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કરનાર યુનિટના નેતાને શોધી કાઢવામાં આવ્યો છે અને તેની હત્યા કરવામાં આવી છે. ઈરાને પ્રેસિડન્ટ ટ્રમ્પને મારવાનો પ્રયાસ કર્યો હતો.’ ૨૦૨૪માં અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા બાદ ટ્રમ્પની હત્યું કાવતરું ઘડવાનો આરોપ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ઈરાની રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝની એક ઈરાની વ્યક્તિ પર મૂક્યો હતો. તેહરાને ટ્રમ્પ અને અન્ય અમેરિકન અધિકારીઓને નિશાન બનાવ્યા હોવાના આરોપોને નકારી કાઢ્યા છે.
