આ પ્રતિબંધો ઇમિગ્રન્ટ્સ અને બિનઇમિગ્રન્ટ્સ જેમ કે પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક પ્રવાસીઓ બધાને લાગુ પડે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગનાં સેક્રેટરી ક્રિસ્ટી નોએમએ ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકા એના મુસાફરી પ્રતિબંધ હેઠળ આવરી લેવામાં આવેલા દેશોની સંખ્યા ૩૦થી વધુ કરવાની યોજના ધરાવે છે. એક મુલાકાતમાં નોએમને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન મુસાફરી પ્રતિબંધ સૂચિમાં દેશોની સંખ્યા વધારીને ૩૨ કરશે? એ સવાલનો જવાબ આપતાં નોએમે કહ્યું હતું કે ‘હું સંખ્યા વિશે ચોક્કસ કહીશ નહીં, પરંતુ એ દેશની સંખ્યા ૩૦થી વધુ છે અને પ્રેસિડન્ટ દેશોનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખી રહ્યા છે. જે દેશોની સરકાર સ્થિર નથી અથવા તેઓ પોતાની જાતને ટકાવી શકે એમ નથી એવા દેશોના નાગરિકોને અમેરિકામાં આવવા નહીં મળે.’
ટ્રમ્પે જૂનમાં ૧૨ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકતા અને અન્ય ૭ દેશોના નાગરિકોને પ્રતિબંધિત કરતા એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશી આતંકવાદીઓ અને અન્ય સુરક્ષા-જોખમો સામે રક્ષણ આપવા માટે આ જરૂરી છે. આ પ્રતિબંધો ઇમિગ્રન્ટ્સ અને બિનઇમિગ્રન્ટ્સ જેમ કે પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક પ્રવાસીઓ બધાને લાગુ પડે છે.


