અમેરિકામાં બાળકને જન્મ આપવાની ઇચ્છા ધરાવતી મહિલાઓને ટૂરિસ્ટ વીઝા આપતાં પહેલાં કડક ચકાસણી થશે
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને એના વીઝા અને ઇમિગ્રેશન નિયમોને કડક બનાવવા અને બર્થ-ટૂરિઝમને રોકવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે.
ટ્રમ્પ-પ્રશાસને અમેરિકન નાગરિકતા મેળવવા માટે અમેરિકામાં જન્મ આપવા માગતી મહિલાઓને વીઝા નકારવાનો નિર્ણય લીધો છે. જો કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમ્યાન ટ્રાવેલ-વીઝા માટે અરજી કરે અને અમેરિકામાં બાળકને જન્મ આપે તો તેના વીઝા રદ થઈ શકે છે. આ નિર્ણય ભારતીયો પર મોટા પાયે અસર કરી શકે છે.
ADVERTISEMENT
ભારતમાં અમેરિકન એમ્બેસીએ ટૂરિસ્ટ વીઝાના અરજદારોને ચેતવણી જાહેર કરી છે. એક પોસ્ટમાં એમ્બેસીએ જણાવ્યું હતું કે કોઈ પણ અરજદાર જે બાળક માટે અમેરિકન નાગરિકત્વના શૉર્ટકટ તરીકે જન્મ આપવાના ઇરાદાથી અમેરિકાની મુસાફરી કરી રહ્યો હોવાની શંકા જશે તો તેના ટૂરિસ્ટ વીઝા સ્થળ પર જ નકારી કાઢવામાં આવશે.
બર્થ-ટૂરિઝમ અટકાવવા માટે ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આ જાહેરાત બાદ વીઝા માટે અરજી કરતી પરિણીત અથવા ગર્ભવતી મહિલાઓની ચકાસણીમાં વધારો થશે.
ટ્રમ્પ-પ્રશાસન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને વીઝા પર વધુ ને વધુ કડક બની રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં વીઝા-ફી વધારવા જેવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.
અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને હૉસ્પિટૅલિટી ક્ષેત્રોમાં કામ કરે છે. આ ભારતીયોના પરિવારો વારંવાર મુસાફરી કરે છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી ગર્ભવતી હોવા છતાં વીઝા મેળવવા માગતી ભારતીય મહિલાઓ માટે મુશ્કેલીઓ વધશે.
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જન્મ લેનારને જન્મજાત નાગરિકત્વ સમાપ્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે. જોકે ટ્રમ્પના આદેશનો અમલ કરવામાં આવ્યો નથી, કારણ કે એ કાનૂની પડકારનો સામનો કરી રહ્યો છે. પરિણામે ટ્રમ્પ-પ્રશાસને હવે વીઝા-દેખરેખને કડક બનાવવા માટે પગલાં લીધાં છે.


