૧૪ કરોડ બૅરલ તેલ બજારમાં આવશે તો વૈશ્વિક ઊર્જાસંકટમાં મોટી રાહત થઈ શકે છે
હોર્મુઝની ખાડી
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલની સતત વધી રહેલી કિંમતો અને મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાએ એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ઈરાની તેલના વેચાણ પર ૩૦ દિવસની કામચલાઉ છૂટ જાહેર કરી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ વધતા જતા ઈંધણના ભાવને અંકુશમાં લેવાનો અને સપ્લાય ચેઇનને સ્થિર કરવાનો છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટના જણાવ્યા અનુસાર આ છૂટને કારણે અંદાજે ૧૪ કરોડ બૅરલ ઈરાની ક્રૂડ ઑઇલ વૈશ્વિક બજારમાં આવશે. આ એ જથ્થો છે જે અત્યારે સમુદ્રમાં ટૅન્કરોમાં લોડ થયેલો છે પરંતુ પ્રતિબંધોને કારણે વેચી શકાયો નહોતો.
ADVERTISEMENT
આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત અગાઉ ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદતું હતું. નિષ્ણાતોના મતે આ વધારાના પુરવઠાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટશે અથવા સ્થિર થશે, જેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેવાની અથવા એમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા તેલ માટે છે જે પહેલેથી જ જહાજોમાં લોડ થઈ ચૂક્યું છે. આ કોઈ નવા ઉત્પાદન કે નવી ખરીદી માટેની કાયમી છૂટ નથી.
અમેરિકાએ આ પગલાને ‘ઑપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury)ના ભાગરૂપે ગણાવ્યું છે. એનું કહેવું છે કે તેઓ ઈરાનના જ તેલનો ઉપયોગ કરીને વૈશ્વિક ભાવ ઘટાડવા માગે છે, જેથી ઈરાન પર દબાણ જળવાઈ રહે અને સામાન્ય જનતાને મોંઘા ઈંધણમાંથી રાહત મળે.
ડોનલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુનો અંજામ સદ્દામ હુસેન જેવો થશે : ઈરાન
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો અંત સદ્દામ હુસેન જેવો થશે એમ ઈરાને જણાવ્યું છે. ઈરાની ‘ખાતમ અલ-અંબિયા’ મુખ્યાલયના પ્રવક્તાએ વધતા જતા યુદ્ધ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુને ધમકી આપીને કહ્યું હતું કે તેમનો અંત સદ્દામ હુસેન જેવો આવશે, ટ્રમ્પ અને ગુનેગાર નેતન્યાહુનું ભાગ્ય સદ્દામ જેવા અંતની રાહ જોઈ રહ્યું છે, ખુદાએ આપણા માટે નિષ્ફળતાનો માર્ગ રોકી દીધો છે. બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનના ઘણા મહત્ત્વપૂર્ણ નેતાઓ માર્યા ગયા છે, જેમાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈનો પણ સમાવેશ થાય છે.
