ઓહાયોની જ્યુરીએ સંબંધિત કંપનીને ૨૨.૫ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૮૮ કરોડ રૂપિયાથી વધુ)નો જંગી દંડ ફટકાર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કંપની દ્વારા ગર્ભવતી મહિલાને ઘરેથી કામ કરવાની મંજૂરી ન આપવાને કારણે તેના નવજાત શિશુનું મોત નીપજ્યું હતું. આ મામલે કડક વલણ અપનાવતાં ઓહાયોની જ્યુરીએ સંબંધિત કંપનીને ૨૨.૫ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૮૮ કરોડ રૂપિયાથી વધુ)નો જંગી દંડ ફટકાર્યો છે.
આ ઘટના કોરોનાકાળના વર્ષ ૨૦૨૧ની છે. ચેલ્સિયા વૉલ્શ નામની મહિલા ‘ટોટલ ક્વૉલિટી લૉજિસ્ટિક્સ’ નામની કંપનીમાં કામ કરતી હતી. એ સમયે ચેલ્સિયા હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી (જોખમી ગર્ભાવસ્થા)માંથી પસાર થઈ રહી હતી. અકાળે પ્રસૂતિ ન થાય એ માટે તેણે સર્વિક્સની મેડિકલ પ્રક્રિયા પણ કરાવી હતી. ડૉક્ટરની સલાહ મુજબ તેણે ૨૦૨૧ની ૧૫ ફેબ્રુઆરીએ પોતાની કંપની પાસે ઘરેથી કામ કરવાની પરવાનગી માગી હતી જેથી તે આરામ કરી શકે અને તેના બાળક પર કોઈ જોખમ ન રહે. કંપનીએ તેને ઑફિસ આવીને કામ કરવા અથવા પગાર વગરની રજા પર ઊતરી જવા જણાવ્યું હતું. આવક અને હેલ્થ ઇન્શ્યૉરન્સ ગુમાવવાના ડરથી ચેલ્સિયાએ બાવીસ ફેબ્રુઆરીએ કામ શરૂ કર્યું હતું. જોકે કામ શરૂ કર્યાના માત્ર બે જ દિવસ બાદ ૨૪ ફેબ્રુઆરીએ ચેલ્સિયાને અકાળે પ્રસૂતિની પીડા ઊપડી હતી. તેણે પ્રેગ્નન્સીના પાંચમા મહિને કસુવાવડ થઈ ગઈ હતી. જન્મ સમયે બાળકીના ધબકારા ચાલુ હતા, પરંતુ જન્મના માત્ર દોઢ કલાકમાં જ તેણે પોતાની માતાના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. કરુણતા એ હતી કે જે દિવસે બાળકીનું મોત થયું એ જ દિવસે કંપનીએ ચેલ્સિયાની વર્ક ફ્રૉમ હોમની અરજી મંજૂર કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પાંચ વર્ષ સુધી ચાલેલી આ કાનૂની લડાઈ બાદ જ્યુરીએ ઠેરવ્યું કે કંપનીના ઇનકારને કારણે મહિલા પર વધારાનું દબાણ આવ્યું જે બાળકના મૃત્યુનું કારણ બન્યું. જ્યુરીએ માનવતા અને કર્મચારીઓના અધિકારોને પ્રાધાન્ય આપતાં કંપનીને ૨૨.૫ મિલ્યન ડૉલરનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે કંપની બીજા કાનૂની વિકલ્પો તપાસી રહી છે.
