સૌથી વિનાશક પ્લેન ક્રૅશમાં બર્ડ-હિટને લીધે લૅન્ડિંગ ગિયર ખૂલ્યાં ન હોવાની આશંકા, રનવે પર ઊતર્યા બાદ ઘસડાયું, દીવાલ સાથે ટકરાવાની સાથે જ આગની જ્વાળામાં ફેરવાયું
તસવીર સૌજન્ય : મિડ-ડે
સાઉથ કોરિયામાં મુઆન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર જેજુ ઍરનું એક બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાન ગઈ કાલે સવારે ૯ વાગ્યે ક્રૅશ થતાં કમસે કમ ૧૭૯ લોકોનાં મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. વિમાનમાં ૧૭૭ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરો હતા. આ વિમાનની પૂંછડીના ભાગમાં બે ક્રૂ મેમ્બરો બચી ગયા છે અને તેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ વિમાન સાથે પક્ષી ટકરાયા બાદ અકસ્માત થયાની આશંકા સેવાઈ રહી છે. સાઉથ કોરિયાના ઇતિહાસમાં આ સૌથી વિનાશક અકસ્માત છે.
થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકથી આ વિમાન આવ્યું હતું અને ઊતરતી વખતે લૅન્ડિંગ ગિયર ખૂલ્યું નહીં હોવાથી એ રનવે પર ઘસડાયું હતું અને આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી અને પછી સીધું દીવાલ સાથે ટકરાયું હતું. આ ટક્કર એટલી હદે ભયાનક હતી કે વિમાન ઓળખી શકાય એવી સ્થિતિમાં પણ રહ્યું નથી. એનો પૂંછડીનો ભાગ થોડો બચી ગયો હતો અને એમાં રહેલાં એક મહિલા અને એક પુરુષ ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યાં હતાં. તેમને સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ત્રણ દાયકામાં સાઉથ કોરિયામાં આ સૌથી વિનાશક વિમાન-દુર્ઘટના છે. બર્ડ-હિટ કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. બર્ડ-હિટને કારણે લૅન્ડિંગ ગિયર ખરાબ થતાં અકસ્માત થયાની આશંકા વધારે છે.
બચાવકાર્ય કરી રહેલા લોકો રનવેની આસપાસ વિમાનમાંથી પડેલા પ્રવાસીઓના મૃતદેહો શોધીને હૉસ્પિટલમાં મોકલી રહ્યા હતા. તમામ ડેડ-બૉડી શોધવાની કાર્યવાહી ચાલુ છે.