‘ગો બૅક ટુ ઇન્ડિયા’નો સૂત્રોચ્ચાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
કૅનેડાના સૌથી મોટા ટૉરોન્ટો શહેરના સિટી હૉલમાં ભારતીય સમાજના લોકોએ રવિવારે પૅનોરમા ઇન્ડિયાના નેજા હેઠળ મોટા પાયે ભવ્ય ઇન્ડિયા ડે પરેડનું આયોજન કર્યું હતું અને એમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. જોકે આ પરેડ દરમ્યાન ખાલિસ્તાની સમર્થકો વિરોધ નોંધાવશે એવી આશંકાથી ભારે સિક્યૉરિટી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો છતાં ખાલિસ્તાની સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ભારતીય તિરંગાનું અપમાન કર્યું હતું અને ‘ગો બૅક ટુ ઇન્ડિયા’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ખાલિસ્તાન સમર્થક સિખ અને કૅનેડિયન હિન્દુઓ વચ્ચે આ પ્રસંગે ટકરાવ જોવા મળ્યો હતો.
આ ઉજવણી ટૉરોન્ટો ડાઉનટાઉનના નૅથન ફિલિપ્સ સ્ક્વેરમાં કરવામાં આવી હતી અને એમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થયું હતું. છેલ્લાં પચીસ વર્ષથી આ પરેડનું આયોજન થાય છે. પૅનોરમા ઇન્ડિયાનાં ચૅરમૅન વૈદેહી ભગતે જણાવ્યું હતું કે અમે ભારતની બહાર સૌથી મોટો તિરંગો લહેરાવ્યો હતો અને દેશનાં ૨૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા ૨૦ ફ્લોટ્સ એમાં સામેલ હતા.