સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આ વૃક્ષ શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિક સાતત્યનું જીવંત પ્રતીક છે.
અનુરાધાપુરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જયા શ્રી મહા બોધિ મંદિરના બૌદ્ધ ધર્મગુરુના આશીર્વાદ લીધા હતા તેમ જ જયા શ્રી મહા બોધિ વૃક્ષને નમન પણ કર્યું હતું.
શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન ગઈ કાલે વડા પ્રધાન ઐતિહાસિક શહેર અનુરાધાપુરા ગયા હતા અને જયા શ્રી મહા બોધિ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે જયા શ્રી મહા બોધિ વૃક્ષની તસવીરો પોસ્ટ કરતાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આ વૃક્ષ શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિક સાતત્યનું જીવંત પ્રતીક છે. ભગવાન બુદ્ધના ઉપદેશ હંમેશાં આપણને માર્ગદર્શન આપે.
જયા શ્રી મહા બોધિ વૃક્ષને વિશ્વનો સૌથી જૂનો જીવંત ઉગાડવામાં આવતો છોડ માનવામાં આવે છે. બિહારના બોધ ગયામાં જે પીપળાના વૃક્ષની નીચે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એની ડાળીમાંથી આ વૃક્ષ ઊગ્યું હોવાનું માનવામાં આવે છે. મૌર્ય સમ્રાટ અશોકની દીકરી અને બૌદ્ધ સાધ્વી સંઘમિત્રા આ વૃક્ષની ડાળીને શ્રીલંકા લઈ ગઈ હતી અને આ સ્થળે એ વાવી હતી.
શ્રીલંકામાં આ વૃક્ષના આગમનને ઉદુવાપા પોયા તરીકે ઊજવવામાં આવે છે અને એ ડિસેમ્બર મહિનામાં આવતી પૂનમની રાતે ઊજવાય છે. પ્રાચીન શહેર અનુરાધાપુરામાં અન્ય બૌદ્ધ મંદિરો સાથે આ વૃક્ષ પણ એક તીર્થ સમાન છે. આ શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

