આ સ્ટેડિયમની કૅપેસિટી ૭૦,૦૦૦ની છે. અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાથી આ કૉન્સર્ટની ટિકિટનો ભાવ શરૂ થયો હતો.
લાઇફમસાલા
ટેલર સ્વિફ્ટની કૉન્સર્ટ ફ્રીમાં જોવા કીડીના રાફડાની જેમ પર્વત પર ભેગા થયા લોકો
અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટને જોવા માટે જર્મનીના મ્યુનિકમાં આવેલી ઑલિમ્પિક હિલ પર હજારો લોકો ભેગા થયા હતા. મ્યુનિકના ઑલિમ્પિક સ્ટેડિયમમાં ટેલર સ્વિફ્ટની કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમની કૅપેસિટી ૭૦,૦૦૦ની છે. અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાથી આ કૉન્સર્ટની ટિકિટનો ભાવ શરૂ થયો હતો છતાં એ ફુલ થઈ ગયો હતો. ૭૦,૦૦૦ લોકો સિવાય પણ લગભગ ૫૦,૦૦૦ જેટલા લોકો સ્ટેડિયમની બહાર ઊભા હતા. આ સ્ટેડિયમની બાજુમાં એક પર્વત છે. ઑલિમ્પિક સ્ટેડિયમની બાજુમાં હોવાથી એનું નામ ઑલિમ્પિક હિલ પડી ગયું છે. આ પર્વત પરથી સ્ટેડિયમમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકાય છે. કૉન્સર્ટ ફુલ થઈ ગઈ હતી એટલે ૫૦,૦૦૦ જેટલા લોકો સ્ટેડિયમની બહારથી એ જોઈ રહ્યા હતા. મ્યુનિકની પોલીસે જણાવ્યું કે એ હિલ પર અંદાજે ૨૮,૦૦૦ જેટલા લોકો ભેગા થયા હતા અને હિલની નીચેના ભાગે અંદાજે ૧૨,૦૦૦ લોકો ભેગા થયા હતા. દૂરથી જોતાં આ પર્વત પર જાણે કીડીનો રાફડો હોય એવું દેખાતું હતું. ફરક માત્ર એટલો હતો કે અહીં કીડીની જગ્યાએ માણસો હતા. ૩૧ ડિગ્રી જેટલી ગરમી હોવા છતાં લોકો ભેગા થયા હતા. તેઓ ફ્રીમાં જોઈ રહ્યા હોવા છતાં કૉન્સર્ટના ઑર્ગેનાઇઝરે તેમને પીવા માટે પાણી અને જેમની તબિયત ખરાબ થઈ રહી હતી તેમને ઇમર્જન્સી બ્લેન્કેટ પૂરા પાડ્યા હતા. ટેલર સ્વિફ્ટે પણ સ્ટેડિયમની બહારના તમામ લોકોનો તેની કૉન્સર્ટમાં હાજરી આપવા બદલ આભાર માન્યો હતો.