પુતિને શાહબાઝ શરીફને ૪૦ મિનિટ રાહ જોવડાવી, મળવાનો ઇનકાર કર્યો
તુર્કમેનિસ્તાનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કક્ષની બહાર ૪૦ મિનિટ રાહ જોતા બેસી રહ્યા હતા એ પછી પણ પુતિન મળવા આવ્યા નહીં.
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ૪૦ મિનિટ રાહ જોવાની ફરજ પાડી હતી અને પછી તેમને મળવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો.
તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શાંતિ અને ટ્રસ્ટ ફોરમમાં ઘણા દેશોના વડાઓએ ભાગ લીધો હતો. એમાં પુતિન અને શાહબાઝ શરીફ પણ હાજર હતા. આ પરિષદની સાઇડલાઇન્સમાં સભ્યદેશોના રાજકારણીઓમાં દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી, જેમાંથી એક બેઠક શાહબાઝ શરીફ અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાવાની હતી.
ADVERTISEMENT
શાહબાઝ શરીફ પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડાર સાથે સમયસર બેઠકસ્થળે પહોંચ્યા અને તેમના સાથીઓ સાથે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની રાહ જોઈ. તેમણે લગભગ ૪૦ મિનિટ સુધી પુતિનની રાહ જોઈ. જોકે ટર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગન સાથે દ્વિપક્ષીય બેઠકમાં વ્યસ્ત પુતિન શાહબાઝ શરીફને મળી શક્યા નહીં. લાંબી રાહ જોયા પછી શરીફે ઓછામાં ઓછી થોડી મિનિટો માટે પુતિનને મળવાનું નક્કી કર્યું. આ ઉતાવળમાં તેઓ એ રૂમમાં પ્રવેશ્યા જ્યાં પુતિન ટર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગન સાથે બંધબારણે વાતચીત કરી રહ્યા હતા.
લગભગ ૧૦ મિનિટ પછી શરીફ બહાર આવ્યા હતા. આ વિડિયો સામે આવ્યા પછી ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે એને રાજદ્વારી ભૂલ ગણાવી હતી અને પાકિસ્તાની વડા પ્રધાનને ભારે ટ્રોલ કર્યા હતા. ઘણા યુઝર્સે શરીફની ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું કે પુતિન ભિખારીઓ પર સમય બગાડતા નથી.


