૫૩૦૫ કરોડ રૂપિયાના ખર્ચે નેપાલમાં સત્તાપલટો થયો, પરંતુ ફરી વિરોધના સૂર ઊઠવા માંડ્યા : જેન-ઝી નેતાઓ અને સરકાર વચ્ચે દસ પૉઇન્ટનો સમાધાનકરાર સાઇન થયો, પણ કેટલાક નારાજ નેતાઓએ વડાં પ્રધાન સુશીલા કાર્કીની સામે જ કાગળિયાં ફાડ્યાં
ગુરુવારે નેપાલનાં વડાં પ્રધાન સુશીલા કાર્કીની સરકારના નેતાઓ અને જૅન-ઝી નેતાઓ વચ્ચે દસ મુદ્દાનો સમાધાન કરાર થયો હતો.
નેપાલમાં સપ્ટેમ્બર મહિનામાં રાજનૈતિક વ્યવસ્થા સામે અસંતોષ અને રોષને પગલે હિંસક આંદોલન ફાટી નીકળ્યું હતું. જોકે હવે ૧૦૦ દિવસ પછી પણ એ પરિસ્થિતિમાં ખાસ ફરક પડ્યો નથી. ગુરુવારે જેન-ઝીના પ્રતિનિધિઓ અને નવી બનેલી સરકાર વચ્ચે ૧૦ મુદ્દાનો સમાધાનકરાર થયો હતો. આ સમાધાનકરારને ગઈ કાલે કૅબિનેટની મીટિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને નક્કી થયેલા દસેય મુદ્દાઓને પ્રાથમિકતા આપીને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે નવા ૧૦ પૉઇન્ટ કરાર સાથે પણ જેન-ઝીના કેટલાક યુવાન પ્રતિનિધિઓ સહમત નહોતા. તેમણે આ સમાધાનકરારની મીટિંગમાં જ વડાં પ્રધાન સુશીલા કાર્કીની સામે કાગળિયાં ફાડીને પોતાની નારાજગી દર્શાવી દીધી હતી. જેન-ઝી નેતા ટંકા ધામીએ કહ્યું હતું કે ‘અફસોસની વાત છે કે જે વિચાર્યું હતું એવું કંઈ નથી. સુશીલા કાર્કીની સરકારને ત્રણ મહિના પૂરા થઈ ગયા છે. તેમની સરકારમાં એ જ જૂના સલાહકારો છે જેઓ મનમાની કરે છે એટલે પરિસ્થિતિ એ જ છે. આજે પણ દેશમાં આમ જનતાની જિંદગીમાં કોઈ ફરક નથી આવ્યો.’
ADVERTISEMENT
નેપાલમાં અલગ-અલગ જગ્યાઓએ નાનાં વિરોધ-પ્રદર્શનો ફરીથી શરૂ થઈ ગયાં છે. યુવા નેતા ટંકા ધામીએ કહ્યું હતું કે ‘નવી સરકારનો અડધો કાર્યકાળ પૂરો થઈ ગયો, પણ કંઈ કામ નથી થઈ શક્યું કેમ કે બ્યુરોક્રૅટ્સ એના એ જ છે. સિસ્ટમમાં બદલાવ કરવો જરૂરી છે.’
૫૩૦૫ કરોડની ખોટ
શુક્રવારે નેપાલ સરકારે જાહેર કર્યું હતું કે ઓપી કોલીની સરકાર સામે જે વિરોધ-પ્રદર્શન થયાં એમાં દેશની અર્થવ્યવસ્થાને ૫૩૮ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૫૩૦૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જે સરકારી અસ્કયામતોને નુકસાન પહોંચ્યું હતું એનું નવેસરથી નિર્માણ કરવામાં ૨૫૨ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૨૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.


