નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર સાથે આ બાબતે ચર્ચા કરી છે ત્યારે અરિહાને ભારત લાવવા માટેનો કોઈ રસ્તો નીકળવાની આશા જાગી છે.
નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ઑલૅફ સ્કૉલ્ઝ, જૈન દીકરી અરિહા શાહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ઑલૅફ સ્કૉલ્ઝ વચ્ચે ગઈ કાલે નવી દિલ્હીમાં બેઠક થઈ હતી, જેમાં જર્મનીના ફૉસ્ટર કૅર સેન્ટરમાં સાડાત્રણ વર્ષથી મમ્મી-પપ્પાથી દૂર ઊછરી રહેલી ભારતીય મૂળની જૈન દીકરી અરિહા શાહના કેસને ઉઠાવવામાં આવ્યો હોવાનું ફૉરેન સેક્રેટરી વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું. જર્મનીના ચાન્સેલરે આ મામલે નરેન્દ્ર મોદીને આશ્વસ્ત કર્યા હતા કે આ મામલા પર તેઓ ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે જર્મનીમાં પોતાના સમકક્ષ અધિકારી સામે આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અરિહા શાહને ભારત લાવવા માટે ભારતના વિદેશમંત્રાલય દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને જૈન સમાજના લોકો અરિહાને ભારતને સોંપવા માટેની માગણી કરી રહ્યા છે, પણ જર્મની કહે છે કે તેમની પાસે કોઈ કાયદો નથી જેમાં એ અરિહા શાહને ભારત મોકલી શકે. હવે નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર સાથે આ બાબતે ચર્ચા કરી છે ત્યારે અરિહાને ભારત લાવવા માટેનો કોઈ રસ્તો નીકળવાની આશા જાગી છે.