પાંચ લાખ વર્કર્સ હડતાળ પર ઊતરતાં અનેક સર્વિસિસ ખોરવાઈ ગઈ, ૮૫ ટકા સ્કૂલોના શિક્ષણને અસર
બ્રિસ્ટોલમાં કૅથીડ્રલ ક્વાયર સ્કૂલની બહાર ગઈ કાલે હડતાળ કરી રહેલા ટીચર્સ.
લંડન : બ્રિટનમાં અત્યારે એક રીતે લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. પાંચ લાખ વર્કર્સ હડતાળ પર ઊતરતાં અનેક સર્વિસિસ ખોરવાઈ ગઈ હતી. ટીચર્સ, સરકારી અધિકારીઓ, ટ્રેન-ડ્રાઇવર્સ, સિક્યૉરિટી ગાર્ડ્સ, બસ-ડ્રાઇવર્સ અને ઍરપોર્ટ સ્ટાફ બુધવારે વેતનવધારાની માગણી સાથે હડતાળમાં જોડાયા હતા.
૮૫ ટકા સ્કૂલો સંપૂર્ણપણે કે આંશિક રીતે બંધ રહી હતી. આ હડતાળના કારણે ૨૩,૦૦૦ સ્કૂલોને અસર થઈ હોવાથી લાખો બાળકો ગઈ કાલે ભણવાથી વંચિત રહી ગયાં હતાં. કામદાર સંગઠનોએ તેમના સભ્યોને જણાવ્યું હતું કે જો તેઓ હડતાળ પર જાય તો પણ એની જાણ તેમના સિનિયરને ન કરે, જેથી સ્કૂલ મૅનેજમેન્ટ કોઈ ઇમર્જન્સી પ્લાનિંગ ન કરી શકે. ૪૦,૦૦૦ નવા ટીચર્સ આ હડતાળમાં જોડાયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : કિંગ ચાર્લ્સ રાજ્યાભિષેકમાં ટ્રેડિશનલ વસ્ત્રોના બદલે મિલિટરી યુનિફૉર્મ પહેરશે
૧૫ રેલ કંપનીઓએ કોઈ પણ ટ્રેન નહોતી દોડાવી, જેના કારણે મોટા ભાગના રૂટ્સ પર ટ્રેનો નહોતી દોડી. લંડનમાં લગભગ ૧૯૦૦ બસ-ડ્રાઇવર્સ ત્રણ દિવસની હડતાળની પણ શરૂઆત કરશે. લાખો લોકોએ આવી સ્થિતિમાં વર્ક ફ્રૉમ હોમ કર્યું હતું. ઑફિસો ખાલી હતી ત્યારે સિટી સેન્ટર્સ ભૂતિયા ટાઉન જેવા જણાતાં હતાં.
સંસદસભ્ય બ્રેન્ડન ક્લાર્ક-સ્મિથે જણાવ્યું હતું કે ‘અમે ઇકૉનૉમીનો વિકાસ કરવા ઇચ્છીએ છીએ ત્યારે કામદાર સંગઠનોએ એક રીતે લૉકડાઉન જેવી સ્થિતિ સર્જી છે.’ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે બ્રિટનમાં આવતા અઠવાડિયામાં હેલ્થ વર્કર્સ પણ હડતાળ પર ઉતરશે.