Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ભારતીય કૃષિઉત્પાદનો પર હવે ઝીરો ડ્યુટી, ખેડૂતો અને માછીમારોને ફાયદો થશે

અમેરિકામાં ભારતીય કૃષિઉત્પાદનો પર હવે ઝીરો ડ્યુટી, ખેડૂતો અને માછીમારોને ફાયદો થશે

Published : 08 February, 2026 08:39 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય નિકાસકારો માટે આશરે ૨૭.૧૮ લાખ કરોડનું બજાર ખૂલશે; ભારત પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરનાં ઉત્પાદનો ખરીદશે

ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી


ભારતમાં GM ફૂડને મંજૂરી નહીં; મસાલા, ચા, કૉફી, નારિયેળ તેલ, કાજુ, અવાકાડો, કેળાં, કેરી, પાઇનૅપલ, મશરૂમ્સ સહિત ઘણાં ફળો, શાકભાજી અને બેકરી-ઉત્પાદનો ઝીરો ટૅરિફ પર અમેરિકામાં નિકાસ કરી શકાશે; ભારતીય નિકાસકારો માટે આશરે ૨૭.૧૮ લાખ કરોડનું બજાર ખૂલશે; ભારત પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરનાં ઉત્પાદનો ખરીદશે

ભારતમાં અમેરિકન સ્ટાન્ડર્ડ અને ટેસ્ટિંગને માન્યતા મળશે?



ભારત એ પણ નક્કી કરશે કે કરાર અમલમાં આવ્યાના છ મહિનાની અંદર પસંદગીનાં ક્ષેત્રોમાં અમેરિકામાં ઉપયોગમાં લેવાતી અમેરિકન સ્ટાન્ડર્ડ અને ટેસ્ટિંગ આવશ્યકતાઓ અપનાવી શકાય છે કે નહીં. જ્યારે કોઈ અમેરિકન કંપની ભારતમાં પોતાનો માલ વેચવા માગે છે ત્યારે ભારતમાં અલગ-અલગ ધોરણો અને પરીક્ષણ જરૂરી છે. અમેરિકામાં પહેલેથી જ કંપનીઓ અમેરિકન સ્ટાન્ડર્ડ અનુસાર પોતાનાં ઉત્પાદનોનું પરીક્ષણ કરી ચૂક્યું છે, ત્યારે ભારતમાં એ ચીજો વેચવા માટે ઘણી વાર બીજા પરીક્ષણની જરૂર પડે છે. આનો અર્થ એ છે કે ભારતમાં સમાન માલનું ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે. આમાં સમય લાગે છે, ખર્ચ વધે છે, માલ વધુ મોંઘો બને છે અને વેપાર ધીમો પડે છે. ભારતે કરાર અમલમાં આવ્યાના છ મહિનાની અંદર પસંદગીનાં ક્ષેત્રોમાં પરીક્ષણ કરવાનું વચન આપ્યું છે. એ વિચારવામાં આવશે કે શું અમેરિકન સ્ટાન્ડર્ડ સીધાં અપનાવી શકાય છે કે નહીં.  


ભારત અને અમેરિકાએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે તેઓ પરસ્પર લાભદાયી વેપાર માટે ઇન્ટરિમ ટ્રેડ એગ્રીમેન્ટ (ITA)ના એક ફ્રેમવર્ક પર સંમત થયાં છે. અમેરિકામાં ભારતીય માલ પર ટૅરિફ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવી છે ત્યારે અમેરિકામાં ભારતીય કૃષિઉત્પાદનો પર ઝીરો ડ્યુટી કરવામાં આવી છે. આના કારણે ભારતના ખેડૂતો અને માછીમારોને ફાયદો થશે.

આ સંદર્ભમાં કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ભારતીય કૃષિઉત્પાદનો ઝીરો ટૅરિફ પર અમેરિકામાં નિકાસ કરવામાં આવશે, જ્યારે અમેરિકન કૃષિઉત્પાદનોને ભારતમાં કોઈ ટૅરિફમુક્તિ આપવામાં આવશે નહીં. આ કરાર હેઠળ ભારતીય માલ પર અમેરિકન ટૅરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવી છે. રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર લાદવામાં આવતો ૨૫ ટકાનો વધારાનો ટૅક્સ પણ દૂર કરવામાં આવ્યો છે.’


આ પ્રેસ-કૉન્ફરન્સમાં પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે ‘ભારતમાં GM (જેનેટિક મૉડિફાઇડ) ખોરાકને મંજૂરી આપવામાં આવશે નહીં. મસાલા, ચા, કૉફી, નારિયેળ તેલ, કાજુ, અવાકાડો, કેળાં, કેરી, પાઇનૅપલ, મશરૂમ્સ અને અન્ય ઘણાં ફળો અને શાકભાજી તેમ જ કેટલાંક બેકરી-ઉત્પાદનો પણ ઝીરો ટૅરિફ પર અમેરિકામાં નિકાસ કરી શકાશે. આ કરાર ભારતીય નિકાસકારો માટે ૩૦ ટ્રિલ્યન ડૉલર (આશરે ૨૭.૧૮ લાખ કરોડ રૂપિયા)નું બજાર ખોલશે. આ ઉપરાંત ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડૉલર (આશરે ૪૫.૩૦ લાખ કરોડ રૂપિયા)નાં ઉત્પાદનો ખરીદવા સંમત થયું છે.’

સપ્લાય-ચેઇન મજબૂત બનાવશે

બન્ને દેશોએ જણાવ્યું હતું કે આ ફ્રેમવર્કને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે અને વાટાઘાટો એક વ્યાપક બાઇલૅટરલ ટ્રેડ ઍગ્રીમેન્ટ (BTA) તરફ આગળ વધશે. ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદન મુજબ આ માળખું ૨૦૨૫ની ૧૩ ફેબ્રુઆરીએ શરૂ થયેલી ભારત-અમેરિકન BTA વાટાઘાટોને આગળ વધારશે. આ કરારમાં બજાર-પહોંચ, પુરવઠા-શૃંખલાને મજબૂત બનાવવા અને વેપાર-અવરોધો ઘટાડવા માટેની જોગવાઈઓ પણ સામેલ હશે.

નૉન-ટૅરિફ અવરોધો દૂર કરશે

ભારત અને અમેરિકા વચ્ચેના આ વેપાર-કરારમાં નૉન-ટૅરિફ અવરોધો દૂર કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અવરોધો ટૅરિફ નથી પરંતુ એ વેપારને જટિલ બનાવે છે. અમેરિકન મેડિકલ ડિવાઇસ કંપનીઓએ ભારતમાં કિંમત નક્કી કરવાના નિયમો અને રજિસ્ટ્રેશનમાં વિલંબ જેવા અવરોધોનો સામનો કરવો પડે છે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ‘બન્ને દેશોએ ચોક્કસ નિયમો સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે જેથી આ કરારનો લાભ મુખ્યત્વે કોઈ ત્રીજા દેશને નહીં પણ અમેરિકા અને ભારતને મળે. ભારતે લાંબા સમયથી ચાલતા આ અવરોધોને દૂર કરવાનું વચન આપ્યું છે જેથી અમેરિકન મેડિકલ ડિવાઇસ ભારતમાં સરળતાથી વેચી શકાય. આ ભારતીય હૉસ્પિટલો અને દરદીઓને વધુ સારી અને સસ્તી અમેરિકન ટેક્નૉલૉજી પ્રદાન કરશે.’

મેટલ્સ સહિતની રાષ્ટ્રીય સુરક્ષાની આઇટમો પર ટૅરિફ હટાવવામાં ભારતને નોંધપાત્ર છૂટછાટ મળી

ભારતે મેટલ્સ, ઑટો, ફાર્માસ્યુટિકલ ઘટકો અને વિમાનના ભાગોને અસર કરતી નૅશનલ સિક્યૉરિટી ટૅરિફ પર અમેરિકા પાસેથી નોંધપાત્ર છૂટછાટો મેળવી છે જે એક મોટી રાજદ્વારી અને આર્થિક જીત છે. આના બદલામાં નવી દિલ્હીએ સોયાબીન તેલ, સૂકા ડિસ્ટિલર્સનાં અનાજ, ટ્રી નટ્સ, તાજાં અને પ્રોસેસ્ડ ફળો, વાઇન અને સ્પિરિટ સહિત અમેરિકન ઔદ્યોગિક અને કૃષિઉત્પાદનો માટે બજાર-ઍક્સેસ વિસ્તારવા સંમતિ આપી છે.

વચગાળાના માળખા હેઠળ ભારત તમામ અમેરિકન ઔદ્યોગિક માલ અને કૃષિઉત્પાદનોની વિશાળ શ્રેણી પરની ટૅરિફને નાબૂદ કરશે અથવા ઘટાડશે, જ્યારે અમેરિકા મુખ્ય ભારતીય નિકાસ પરના એના ટૅરિફ-શાસનને ઘટાડવા અથવા સમાયોજિત કરવા સંમત થયું છે.

બન્ને પક્ષો હવે એક વ્યાપક, પૂર્ણ સ્તરના વેપાર-કરાર તરફ આગળ વધી રહ્યા છે જે વૈશ્વિક વેપાર સંબંધોને ફરીથી આકાર આપી શકે છે અને બન્ને બાજુના વ્યવસાયો માટે તકોને વેગ આપી શકે છે.

મસાલાઓને મળ્યું છે સંપૂર્ણ રક્ષણ

બ્લૅક મરી, લવિંગ, સૂકાં અને લીલાં મરચાં, તજ, ધાણા, જીરું, હિંગ, આદું, હળદર, અજમો, મેથી, તમાલપત્ર, રાઈ,ચક્રફૂલ

ધાન્યની આયાત પર પ્રતિબંધ

ઘઉં, જુવાર, બાજરી, બાર્લી, ચોખા, મકાઈ, રાજગરો, નાચણી, નારિયેળની કાચલી, ભગર-મોરૈયો, કોદરા, કઠોળ, ઓટ્સ, મેંદો, લોટ (ઘઉં, મકાઈ, ચોખા અને બાજરી વગેરે)

ડેરી ઉત્પાદનોને ભારતમાં નો એન્ટ્રી

દૂધ (પ્રવાહી, પાઉડર અને કન્ડેન્સ્ડ વગેરે), મલાઈ, દહીં, છાશ, બટર, ઘી, ચીઝ (મોઝરેલા, બ્લુ વ્હેન્ડ, પાઉડર વગેરે), બટર ઑઇલ, પનીર અને અન્ય ઉત્પાદનો

શાકભાજીની આયાત પર પ્રતિબંધ

બટાટા, વટાણા, બીન્સ, કાકડી, મશરૂમ્સ

તમામ પૅકેજ્ડ શાકભાજી.

ભારત-અમેરિકા ટ્રેડ-ડીલના મહત્ત્વના ૧૦ મુદ્દા

 અમેરિકા ભારતીય માલ પર ૧૮ ટકા રેસિપ્રોકલ ટૅરિફ લાદશે જેમાં હોમ ડેકોર, ચામડું અને ફુટવેઅર, કપડાં, પ્લાસ્ટિક અને રબર, હસ્તકલાનાં ઉત્પાદનો, કાપડ, ઑર્ગેનિક રસાયણો અને પસંદગીનાં મશીનરી જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

 એક વાર ITAને અંતિમ સ્વરૂપ આપવામાં આવે પછી ઘણી ભારતીય વસ્તુઓ ટૅરિફ વિના અમેરિકામાં પ્રવેશી શકશે. આમાં રત્નો અને હીરા, જેનરિક દવાઓ અને વિમાનના ભાગોનો સમાવેશ થાય છે.

 આ ફ્રેમવર્કમાં સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને તાંબા પર રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઘોષણાઓ હેઠળ લાદવામાં આવેલી ચોક્કસ ભારતીય વિમાનો અને વિમાનના ભાગો પર અમેરિકન ટૅરિફ દૂર કરવાની જોગવાઈ છે.

 કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે ખાતરી આપી હતી કે આ કરાર ભારતીય ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરે છે અને મકાઈ, ઘઉં, ચોખા, સોયા, મરઘાં, દૂધ, ચીઝ, એથનૉલ (ઈંધણ), તમાકુ, ચોક્કસ શાકભાજી અને માંસ સહિત સંવેદનશીલ કૃષિ અને ડેરી-ઉત્પાદનોનું સંપૂર્ણ રક્ષણ કરીને ગ્રામીણ આજીવિકાને ટેકો આપે છે.

 વાઇટ હાઉસે દાવો કર્યો છે કે ભારત રશિયન તેલની આયાત બંધ કરશે, અમેરિકન ઊર્જા- ઉત્પાદનો ખરીદશે અને આગામી ૧૦ વર્ષમાં અમેરિકા સાથે સંરક્ષણ-સહયોગ વધારશે. ભારતે હજી સુધી આ દાવાનો જવાબ આપ્યો નથી અને કહ્યું છે કે ઊર્જા-સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બદલતી બજાર-પરિસ્થિતિઓ અને બદલાતા આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યના પ્રતિભાવમાં અમને અમારા ઊર્જા-સ્રોતોમાં વૈવિધ્યતા લાવવી એ આ સુનિશ્ચિત કરવાની અમારી વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે.

 ભારતે તબીબી ઉપકરણો, ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી (ICT) ઉત્પાદનો, ખાદ્ય અને કૃષિ-ઉત્પાદનો જેવા અમેરિકન માલ પર લાંબા સમયથી ચાલતા અવરોધોને દૂર કરવા સંમતિ આપી છે. તે ૬ મહિનાની અંદર આ ક્ષેત્રોમાં અમેરિકા અથવા આંતરરાષ્ટ્રીય ધોરણોની પણ સમીક્ષા કરશે.

 બન્ને પક્ષો સ્પષ્ટ નિયમો સ્થાપિત કરશે જેથી ખાતરી કરી શકાય કે વેપારલાભ મુખ્યત્વે ભારત અને અમેરિકાને મળે, તેમના દ્વારા માલ મોકલતા ત્રીજા દેશોને લાભ ન મળે.

 બન્ને દેશો સપ્લાય-ચેઇન પર વધુ નજીકથી કામ કરશે, સંવેદનશીલ રોકાણોની તપાસ કરશે, નિકાસ-નિયંત્રણોને કડક બનાવશે અને અન્ય દેશો દ્વારા અન્યાયી વેપારપ્રથાઓનો ઉકેલ લાવશે.

 ભારત આગામી પાંચ વર્ષમાં આશરે ૫૦૦ અબજ ડૉલર મૂલ્યના અમેરિકન માલને ખરીદવાની યોજના ધરાવે છે, જેમાં ઊર્જા, ટેક્નૉલૉજી ઉત્પાદનો, વિમાન અને વિમાનના ભાગો, કીમતી ધાતુઓ અને કોકિંગ કોલનો સમાવેશ થાય છે.

 ભારત અને અમેરિકા ડેટા સેન્ટરોમાં વપરાતાં સાધનો જેવાં ટેક્નૉલૉજી ઉત્પાદનોમાં વેપાર પણ વધારશે અને BTA હેઠળ સ્પષ્ટ ડિજિટલ વેપાર-નિયમો બનાવવાનું લક્ષ્ય રાખશે.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 08:39 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK