કહ્યું કે મુહમ્મદ યુનુસે બંગલાદેશમાં કટ્ટરવાદીઓને ખુલ્લી છૂટ આપી દીધી છે
શેખ હસીના, મુહમ્મદ યુનુસ
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ હિન્દુઓ પરના હુમલા અને હત્યા માટે મુહમ્મદ યુનુસને દોષી ઠેરવ્યા છે. તેમણે બંગલાદેશમાં ઉગ્રવાદી ઘટનાઓમાં વધારો, લઘુમતીઓ પર સતત હુમલા અને દેશનાં બિનસાંપ્રદાયિક મૂલ્યોના ધોવાણ માટે પણ તેમને દોષી ઠેરવ્યા છે. એક ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું હતું કે ‘બંગલાદેશમાં ધાર્મિક કટ્ટરવાદ, ભીડની માનસિકતા અને રાજકીય તકવાદ વધી રહ્યો છે. આ બધું સરકાર દ્વારા નિર્ણાયક પગલાં લેવામાં નિષ્ફળતાને કારણે થઈ રહ્યું છે.’
ભારતમાં આશ્રય લઈને રહેતાં શેખ હસીનાએ બંગલાદેશમાં લોકશાહીના રક્ષણ અને લઘુમતીઓના રક્ષણમાં નવી દિલ્હીની મુખ્ય ભૂમિકાના મહત્ત્વ પર પણ ભાર મૂકતાં જણાવ્યું હતું કે ભારત બંગલાદેશનું લાંબા સમયથી ભાગીદાર રહ્યું છે. તેમણે મુહમ્મદ યુનુસ પર પોતાની નિષ્ફળતાઓ છુપાવીને જાણીજોઈને ભારતવિરોધી લાગણીઓ ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. શેખ હસીનાએ ચેતવણી આપી હતી કે દેશમાં લોકશાહી ધોરણો નબળાં પડવાથી પહેલાંથી જ દ્વિપક્ષીય સંબંધોમાં તનાવ વધી રહ્યો છે.
ADVERTISEMENT
શેખ હસીનાની સરકારને ઑગસ્ટ ૨૦૨૪માં ઊથલાવી દેવામાં આવી હતી અને તેમણે પોતાનો જીવ બચાવવા માટે ભારત આવી જવું પડ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે હિન્દુઓ પર વારંવાર થઈ રહેલા હુમલાઓ અને દીપુ દાસની હત્યા માટે કોણ અને કયા પ્રકારની વિચારસરણી જવાબદાર છે? આવા હુમલાઓને કેવી રીતે રોકી શકાય? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આ હુમલાઓને ધાર્મિક કટ્ટરતા અને ટોળાની માનસિકતાના ખતરનાક સંયોજન દ્વારા વેગ આપવામાં આવી રહ્યો છે. વચગાળાની સરકારે આને અનિયંત્રિત રીતે વધવા દીધું છે. દીપુ દાસની હત્યા એક ભયાનક ગુનો છે જે દર્શાવે છે કે અસહિષ્ણુતા અને કટ્ટરતા કેટલી ઊંડે સુધી મૂળ ધરાવે છે. આ એક અલગ ઘટના નથી. જ્યારથી યુનુસ સત્તામાં આવ્યા છે ત્યારથી ધાર્મિક લઘુમતીઓ જેવા કે ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધો અને શાંતિપ્રિય અહમદી મુસ્લિમો પર હજારો હુમલા થયા છે અને વ્યવહારિક રીતે કોઈ જવાબદારી લેવામાં આવી નથી. મંદિરો, ચર્ચો અને મસ્જિદોમાં તોડફોડ થઈ રહી છે, સાંસ્કૃતિક અભિવ્યક્તિને દબાવવામાં આવી રહી છે અને મહિલાઓને ધીમે-ધીમે જાહેર જીવનમાંથી બહાર ધકેલી દેવામાં આવી રહી છે. આ બધું એક કટ્ટરપંથી વિચારધારાના નામે વાજબી ઠેરવવામાં આવી રહ્યું છે.’


