અમેરિકાની પાર્લમેન્ટમાં H-1B વીઝા પર ૩ વર્ષ માટે પ્રતિબંધ લગાવવાની માગણી કરતું બિલ રજૂ થયું
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાની સંસદમાં H-1B વીઝા પર ૩ વર્ષ માટે બૅન લગાવવાની ડિમાન્ડ કરતું બિલ રિપબ્લિકન પાર્ટીની સંસદસભ્ય ઍલી ક્રેને રજૂ કર્યું હતું. ઍલી ક્રેનના ‘એન્ડ H-1B વીઝા અબ્યુઝ ઍક્ટ ૨૦૨૬’ નામના બિલને ૭ અન્ય રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્યોએ સમર્થન આપ્યું હતું. તેમની દલીલ છે કે આ વીઝા-કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકન પ્રોફેશનલ્સને બદલે વિદેશીઓને નોકરી આપવામાં આવી રહી છે. આ બિલમાં H-1B પ્રોગ્રામમાં કેટલાક સુધારાઓનો પણ પ્રસ્તાવ છે. એમાં વાર્ષિક સીમા ઘટાડીને ૬૫,૦૦૦થી ૨૫,૦૦૦ કરવાનો, ઓછામાં ઓછું વેતન બે લાખ ડૉલર પ્રતિ વર્ષ નક્કી કરવાનો અને H-1B વીઝાધારકોના આિશ્રતોને અમેરિકામાં લાવવાની પરવાનગી નહીં આપવાનો પ્રસ્તાવ છે.
આ બિલમાં H-1B પ્રોગ્રામને લૉટરી-સિસ્ટમને બદલે પગાર-આધારિત સિલેક્શન પ્રોસેસમાં બદલવાની પણ રજૂઆત થઈ છે. આ ઉપરાંત કંપનીઓએ એ સાબિત કરવું પડશે કે આ કામ માટે તેમને કોઈ યોગ્ય અમેરિકન કર્મચારી નથી મળી રહ્યો એટલું જ નહીં, તેમણે કોઈ અમેરિકનને નોકરીમાંથી પાણીચું પણ નથી આપ્યું.
ADVERTISEMENT
જો આ નવું બિલ પાસ થાય તો ભારતીયો પર એ ખૂબ અસર કરી શકે છે. H-1B વીઝા-પ્રોગ્રામનો ઉપયોગ અમેરિકાની ટેક્નૉલૉજી કંપનીઓ વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખવા માટે કરે છે અને એમાં ટેક્નૉલૉજી અને હેલ્થકૅર સેક્ટરમાં સૌથી વધુ ભારતીયો વીઝા મેળવે છે.
