બ્રિટનના વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતને એક મહત્ત્વનો ભાગીદાર ગણીએ છીએ તેમ જ વધુ રોકાણ દ્વારા આ સંબંધને વધુ મજબૂત બનાવીશું
રિશી સુનક ફાઇલ તસવીર
લંડન (પી.ટી.આઇ) : નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયગાળા દરમ્યાન ૨૦૦૨માં ગુજરાતનાં કોમી રમખાણો પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટરી સતત વિવાદમાં છે. કેન્દ્ર સરકારે એને દુષ્પ્રચાર અને એજન્ડાનો એક ભાગ ગણાવ્યો હતો. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે પણ મોદીનો બચાવ કરતાં શૉર્ટ ફિલ્મ વિશે પોતાની અસહમતી વ્યક્ત કરી હતી. હવે બ્રિટન સરકારે ફરી વાર બીબીસીની સ્વતંત્રતા અને ભારત સાથે બ્રિટનના સંબધ બન્નેનો બચાવ કર્યો છે. રિશી સુનકના પ્રવક્તાએ ગઈ કાલે વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીને લઈને પૂછવામાં આવેલા સવાલનો જવાબમાં પત્રકારોને કહ્યું હતું કે તમે આ વાતની પ્રશંસા કરશો કે બીબીસી એક સ્વતંત્ર સંસ્થા છે. વળી અમે ભારતનો એક મહત્ત્વનો ભાગીદાર ગણીએ છીએ. આગામી સમયમાં અમે અમારા સંબંધોમાં વધુ રોકાણ કરીશું જેના કારણે આ સંબંધ વધુ મજબૂત થાય. મંગળવારે વિદેશપ્રધાન જેમ્સ કલેવરલીએ પણ સાંસદોના પ્રશ્નનો આવો જ જવાબ આપતાં કહ્યું હતું કે મેં તાજેતરમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી સાથે વાત કરી હતી, જેમાં ભારત સરકારનું જે પ્રકારનું ચિત્ર આ ફિલ્મમાં ચિત્રિત થયું છે એ વાતથી અમે માહિતગાર છીએ, પરંતુ બીબીસી પોતાની રીતે સ્વતંત્ર છે. આ જવાબ તેણે બ્રિટનના ઑલ પાર્ટી પાર્લમેન્ટર ગ્રુપના ચૅરમૅન સાંસદ બૉબ બ્લૅકમૅનના સવાલના જવાબમાં આપ્યો હતો. તેમણે આ ડૉક્યુમેન્ટરીને હિંદુવિરોધી ગણાવી હતી. તેમ જ આ પ્રૉપગૅન્ડા સરકારની પૉલિસી નથી એવું સ્પષ્ટ કરવા માટે જરૂરી પગલાં ભરવા માટે જણાવ્યું હતું.