પાકિસ્તાનમાં ગઈ કાલે ચોતરફથી નકારાત્મક ન્યુઝ આવ્યા, એક બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો તો બીજી બાજુ બસ અને બોટનો અકસ્માત થયો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પાકિસ્તાનમાં બસ બ્રિજ પરથી પડતાં ૪૨ જણનાં મૃત્યુ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એક બસ બ્રિજ પરથી નીચે પડવાથી અને એ પછી એ આગમાં ખાખ થવાથી ઓછામાં ઓછા ૪૨ જણનાં મૃત્યુ થયાં હતાં. બલુચિસ્તાન પ્રોવિન્સના લાસબેલા જિલ્લાના સિનિયર અધિકારી હમઝા અંજુમે કહ્યું હતું કે ‘મરનારની બૉડીની એવી સ્થિતિ છે કે તેમની ઓળખ કરવી શક્ય નથી. આ બસમાં લગભગ ૪૮ પૅસેન્જર્સ હતા. આ બસ બ્રિજ પર એક પિલરની સાથે ટકરાઈ અને બેકાબૂ થઈને બ્રિજ પરથી પડી ગઈ હતી.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં બોટ ઊંધી વળી જતાં દસ બાળકોનાં મોત
પાકિસ્તાનમાં ગઈ કાલે બોટ ઊંધી વળી જતાં દસ બાળકોનાં મોત થયાં હતાં. ખૈબર પખ્તુનખ્વા પ્રૉવિન્સના કોહટ પાસે તંદા ડૅમ લેકમાંથી મૃતદેહો મેળવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઑફિસર મીર રૌફે જણાવ્યું હતું કે આ બાળકો સાતથી ૧૪ વર્ષની ઉંમર વચ્ચેનાં હતાં. ૧૧ બાળકોને પાણીમાંથી બચાવી લેવામાં આવ્યાં છે, જેમાંથી છ જણની હાલત ગંભીર છે. આ બોટમાં ૨૫થી ૩૦ સ્ટુડન્ટ્સ હતા.
પાકિસ્તાનમાં ગઈ કાલે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
પાકિસ્તાનમાં ગઈ કાલે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે જાનમાલના નુકસાનની કોઈ વિગતો આવી નથી. પાકિસ્તાન સરકાર અનુસાર આ ભૂકંપનું એપિસેન્ટર તાજિકિસ્તાન હતું. ઇસ્લામાબાદ અને રાવલપિંડી સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા.
સાઉદી અરેબિયા અને યુએઈએ પાકિસ્તાનને કહ્યું, કાશ્મીરને ભૂલી જાઓ, ભારત સાથે મિત્રતા કરો
પાકિસ્તાને વધુ એક વખત શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એના ખાસ સાથી સાઉદી અરેબિયા અને યુએઈએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દો ભૂલીને ભારતની સાથે ફ્રેન્ડશિપ કરવા જણાવ્યું છે. સાઉદી અરેબિયા અને યુએઈએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના ભારતના નિર્ણયને લઈને બિનજરૂરી રડવાનું બંધ કરવા પાકિસ્તાનને સલાહ આપી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં બત્તી ગૂલ: ઈસ્લામાબાદ લાહોર અને કરાચીના વિસ્તારોમાં લાઈટના ધાંધિયા
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૩૫ રૂપિયાનો વધારો
આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી પાકિસ્તાનની જનતાને વધુ એક માર પડ્યો છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે ગઈ કાલે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર ૩૫ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
નાણાપ્રધાન ઇશક દારે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ઇન્ટરનૅશનલ ઑઇલની કિંમતોમાં વધારો તેમ જ પાકિસ્તાની રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં લેવા પડે છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થશે એની શનિવારથી જ લોકોને આશંકા હતી. એટલા માટે જ શનિવારે પેટ્રોલ પમ્પ પર લાંબી લાઇનો જોવા મળી હતી. પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યન થવાના કારણે આયાત કરવામાં આવેલી વસ્તુઓની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનની કુલ આયાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગૅસનો મોટો હિસ્સો છે.
પાકિસ્તાનમાં પહેલાંથી જ પેટ્રોલ અને ડીઝલની અછત હતી. હવે ભાવવધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૨૪૯.૮૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે હાઇસ્પીડ ડીઝલની કિંમત ૨૬૨.૮૦ રૂપિયા થઈ ગઈ છે.