અમેરિકાનાં પાંચ મોટાં ન્યુઝ નેટવર્કે પૂલ કવરેજ સ્થગિત કર્યું એને પગલે ટ્રમ્પે પોતાનું સ્વતંત્ર પ્રસારણ શરૂ કર્યું
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કેટલાંક ન્યુઝ નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યા બાદ વાઇટ હાઉસે ટ્રમ્પ ટીવી : ધ એસેન્શિયલ્સ સ્ટેશન નામનું ૨૪ કલાક ચાલતું સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે. આ પ્લૅટફૉર્મ પર ડોનલ્ડ ટ્રમ્પનાં ભાષણો, વહીવટી જાહેરાતો અને તેમના અગાઉના કાર્યક્રમોનો વિડિયો સતત પ્રસારિત કરવામાં આવશે.
ડોનલ્ડ ટ્રમ્પે ફેક ન્યુઝ ફેલાવવાનો આરોપ લગાવીને CNN, MS NOW અને Politico જેવાં મીડિયાને વાઇટ હાઉસમાંથી પ્રતિબંધિત કર્યાં હતાં. આ નિર્ણયના વિરોધમાં અમેરિકાનાં પાંચ મોટાં ન્યુઝ નેટવર્ક ABC, CBS, CNN, FOX અને NBCએ એકજૂથ થઈને વાઇટ હાઉસનું ટેલિવિઝન પૂલ કવરેજ સ્થગિત કરી દીધું છે. બીજી તરફ પ્રતિબંધિત ત્રણેય મીડિયા સંસ્થાઓએ પ્રેસની સ્વતંત્રતા પરના આ હુમલા સામે ફેડરલ કોર્ટમાં કાનૂની પડકાર ફેંક્યો છે.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે આ પ્રતિબંધોને યોગ્ય ગણાવતાં પોતાના સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ મુક્ત પ્રેસ પર નહીં, દેશમાં કૅન્સરની જેમ ફેલાયેલા ફેક ન્યુઝ પર હુમલો કરી રહ્યા છે. મીડિયા દ્વારા કવરેજનો બહિષ્કાર થતાં હવે અમેરિકન સરકારે ટ્રમ્પ ટીવી દ્વારા જનતા સુધી સીધી માહિતી પહોંચાડવાની રણનીતિ અપનાવી છે.
