૪૩ વર્ષની આલિયા ફખરી પર આરોપ છે કે તેણે તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ અને તેની મિત્રને ગૅરેજમાં આગ લગાડીને મારી નાખ્યાં
નર્ગિસ ફખરી, આલિયા ફખરી
બૉલીવુડ ઍક્ટ્રેસ નર્ગિસ ફખરીની અમેરિકામાં રહેતી ૪૩ વર્ષની બહેન આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે તેના ૩૫ વર્ષના એક્સ-બૉયફ્રેન્ડ એડ્વર્ડ જેકબ્સ અને તેની ૩૩ વર્ષની મિત્ર ઍનાસ્ટેસિયા એટીનને ગૅરેજમાં આગ લગાડીને મારી નાખ્યાં છે.
આ કેસમાં પોલીસે લગાવેલા આરોપ મુજબ બીજી નવેમ્બરે આલિયાએ જેકબ્સના ઘરના બે માળના ગૅરેજને આગ ચાંપી દીધી હતી અને ધુમાડાને લીધે અને આગમાં દાઝી જવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં. તેની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર ગુના, સેકન્ડ ડિગ્રી મર્ડરના ચાર ગુના અને ગૅરેજને સળગાવવાના એક ગુના સહિત નવ આરોપ મૂકવામાં આવ્યા છે. આ કેસમાં હવે ૯ ડિસેમ્બરે તેને કોર્ટમાં ફરી હાજર કરવામાં આવશે. પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે જેકબ્સે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા એટલે તેણે આવું ઘાતકી પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
કોણ છે આલિયા ફખરી?
૪૩ વર્ષની આલિયા ફખરી નર્ગિસ ફખરીની બહેન છે. તેનો જન્મ અમેરિકાના ન્યુ યૉર્કમાં ક્વીન્સમાં થયો હતો અને તે ત્યાં જ રહે છે. તેની મમ્મી મૅરી ચેક રિપબ્લિકની છે અને પપ્પા મોહમ્મદ ફખરી પાકિસ્તાની હતા. બન્ને છોકરીઓ નાની હતી ત્યારે તેમનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા અને પછી મોહમ્મદનું મૃત્યુ થયું હતું.
આલિયા પર આરોપ
આ ડબલ મર્ડર કેસમાં પોલીસે લગાવેલા આરોપ મુજબ બીજી નવેમ્બરે સવારે આલિયા તેના એક્સ બૉયફ્રેન્ડ જેકબ્સના ગૅરેજની બહાર આવી હતી અને કથિત રીતે કહ્યું હતું કે આજે તું મરવાનો છે. એ સમયે જેકબ્સ સૂતો હતો. થોડી સેકન્ડો બાદ આલિયાએ ગૅરેજની બહાર આગ લગાવી દીધી હતી.
આલિયાની મમ્મીએ શું કહ્યું?
આલિયાની મમ્મી મૅરી ફખરીએ કહ્યું હતું કે ‘તેના દાંતની સારવાર બાદ તેને ઑપઑઇડની લત લાગી હતી. એને કારણે તે ઘણી વાર અજબ રીતે વર્તાવ કરતી હતી. મારી દીકરી આવું કરી શકે એમ નથી, પણ આ લતને કારણે કદાચ તેનાથી આમ થયું હશે.’
ઑપઑઇડ દવા શું છે?
ઑપઑઇડ એવી દવા છે જે કોઈ દરદમાં ઝડપી રાહત આપે છે. ઘણી વાર દરદીઓને એની લત લાગી જાય છે અને શારીરિક અને માનસિક શાંતિ માટે તેઓ આ દવાને વારંવાર લેવા લાગે છે.
એક વર્ષ પહેલાં સંબંધ તોડ્યા હતા
બીજી તરફ જેકબ્સની મમ્મીએ કહ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં જેકબ્સે આલિયા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આમ છતાં આલિયા તેની સાથે સંબંધો ફરી પ્રસ્થાપિત કરવા માગતી હતી. ઍનાસ્ટેસિયા જેકબ્સની સારી ફ્રેન્ડ હતી, તેઓ એકબીજાના પ્રેમમાં નહોતાં.’