મતદારો ગુજરાત બીજેપીનો ગઢ છે એ સાબિત કરશે
મતદારો ગુજરાત બીજેપીનો ગઢ છે એ સાબિત કરશે
કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે નારણપુરા સબ ડિવિઝનલ ઑફિસ સ્થિત પોલિંગ બૂથમાં પરિવાર સહિત મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં બીજેપીના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમિત શાહ મતદાન કર્યા બાદ કામનાથ મહાદેવના મંદિરે દર્શન માટે ગયા હતા. મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી મંગળવારે યોજાશે.
અમિત શાહે જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીના વિજયરથના પ્રવાસનો આરંભ ગુજરાતથી થયો હતો. જે રાજ્યમાંથી પક્ષની રાષ્ટ્રીય રાજકારણમાં પ્રગતિનો માર્ગ મોકળો થયો હતો એ રાજ્યની મહાનગરપાલિકાઓ ફરી બીજેપીનો ગઢ સાબિત થશે એવો મને આત્મવિશ્વાસ છે. અનેક રાજ્યોએ ગુજરાતથી પ્રેરણા લઈને બીજેપીને અપનાવ્યો છે. મોટી સંખ્યામાં મતદાન દ્વારા વિકાસનો વિજય થશે એવી મને શ્રદ્ધા છે.’
૬ મહાનગરપાલિકામાં સરેરાશ ૪૨ ટકા મતદાન
ADVERTISEMENT
ગુજરાતમાં મતદારોએ રાખ્યું ઈવીએમથી ડિસ્ટન્સ
ગુજરાતની ૬ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ગઈ કાલે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. કોરોના મહામારીને લઈને મતદાન ઓછું થયું છે. ૬ મહાનગરપાલિકામાં સરેરાશ ૪૨ ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદમાં સૌથી ઓછું ૩૮.૭૩ ટકા મતદાન અને જામનગરમાં સૌથી વધુ ૪૯.૮૬ ટકા મતદાન નોંધાયું છે; તો રાજકોટ ૪૭.૨૭ ટકા, સુરતમાં ૪૩.૫૨ ટકા, વડોદરામાં ૪૩.૪૭ ટકા, ભાવનગરમાં ૪૩.૬૬ ટકા મતદાન થયું છે. ગઈ ચૂંટણી કરતાં આ વખતે ઓછું મતદાન નોંધાયું છે. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. તમામ ૨૨૦૦ ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં કેદ થયાં છે. ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

