સુબ્રતો રૉય સામે સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ
સુબ્રતો રૉય
સહારા ઇન્ડિયા ગ્રુપના માલિક સુબ્રતો રૉય સહારાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક ફરિયાદ સુરતના એક વેપારીએ પોલીસ ચોપડે નોંધાવી છે. સિટીલાઇટ વિસ્તારમાં રહેતા વેપારીનો આરોપ છે કે સહારા ક્યૂ શૉપ નામના નવા બૉન્ડમાં રોકાણ કરાવી પાકતી મુદતે ડબલ રૂપિયા આપવાની લાલચ આપી હતી. જોકે રકમ પાછી ન કરતાં સહારા ઇન્ડિયાના માલિક સુબ્રતો રૉય સહિત ૧૨ કર્મચારીઓ સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
ખટોદરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન અપાર્ટમેન્ટમાં રહેતા વેપારી સંજયકુમાર મહાવીરપ્રસાદ મુરારકાએ પોતાની પત્ની અને સંતાનોનાં નામે ૨૦૦૭માં સહારા ઇન્ડિયા પરિવારના પાંચ વર્ષના બૉન્ડ લીધા હતા જે ૨૦૧૨માં પાકતા હતા. ૨૦૧૨માં સંજયકુમારને પોતાના રોકાણ કરેલા ૯.૧૦ લાખની સામે ૧૨.૭૭ લાખની રકમ મળવાની હતી. સંજયકુમારે સહારા ઇન્ડિયાની સુરતની બ્રાન્ચના મૅનેજર અને એજન્ટને મળી રૂપિયા પાછા માગ્યા હતા. જોકે મૅનેજર અને એજન્ટે રૂપિયા પાછા આપવાને બદલે સહારા ક્યૂ શૉપ નામના નવા બૉન્ડમાં વેપારીના પરિવારના નામે રોકાણ કરાવ્યું હતું.
ADVERTISEMENT
સંજયકુમારને આ રૂપિયા પાકતી મુદત વર્ષ ૨૦૧૭-૧૮માં ડબલથી વધારે નાણાં આપવામાં આવશે એમ કહ્યું હતું. ફિક્સમાં મૂકેલા રૂપિયાનો સમય પૂર્ણ થતાં ફરી વખત સંજયકુમાર પોતાની મૂડી લેવા માટે સહારાની બ્રાન્ચ પર ગયા હતા. જોકે સંજયકુમારને પાકતી રકમ નહીં આપી અવારનવાર સોસ્યો સર્કલ ખાતે આવેલી સહારા ઇન્ડિયાની ઑફિસના ધક્કા ખવડાવ્યા હતા.

