PM મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરીને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ કૉન્ફરન્સ તેમ જ ત્યાર બાદના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે રોકાણ આવશે.
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરીને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ કૉન્ફરન્સ તેમ જ ત્યાર બાદના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે રોકાણ આવશે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ ગુજરાતનું ગ્રોથ-એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે એ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર બધાના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે.’\
ઉલ્લેખનીય છે કે પહેલાં ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાતી હતી, પરંતુ હવે આ સમિટનું સ્વરૂપ બદલાયું છે અને એ ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં યોજાવાની શરૂઆત થઈ છે. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ મહેસાણામાં યોજાઈ હતી અને હવે રાજકોટમાં યોજાશે.
નરેન્દ્ર મોદી ૧૧ જાન્યુઆરીએ સોમનાથમાં
મંદિર પર થયેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ થયાં એ નિમિત્તે આઠથી ૧૧ જાન્યુઆરી સુધી ઊજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ જાન્યુઆરીએ સોમનાથમાં દર્શન કરશે. આ વખતે નિમિત્ત છે સોમનાથ સ્વાભિમાન પર્વ. આ પર્વ મંદિર પર ૧૦૨૬માં થયેલા હુમલાની ૧૦૦૦મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં મનાવાઈ રહ્યું છે. ૧૦૦૦ વર્ષમાં અનેક વાર સોમનાથને ધ્વસ્ત કરીને ખતમ કરવાના પ્રયત્નો થયા, પરંતુ લોકોની આસ્થાને કારણે આ ધાર્મિક સ્થાન ફરી-ફરીને પુન: નિર્મિત થતું રહ્યું. એટલે આ ઉજવણીને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નામ આપવામાં આવ્યું છે. આમ તો આખું વર્ષ ચાલનારા આ પર્વની મુખ્ય ઉજવણી ૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી દરમ્યાન સોમનાથ મંદિરમાં થશે.
૨૦૨૬નું વર્ષ સોમનાથ મંદિર માટે ખાસ છે. એમાં ૧૦૦૦ વર્ષ પહેલાંની યાદ ઉપરાંત ૧૯૫૧માં થયેલા પુનઃ નિર્માણનાં ૭૫ વર્ષ પૂરાં થયાં એનો અવસર પણ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ સાંસ્કૃતિક પુનઃ જાગરણનું પર્વ છે. સ્વાભિમાન પર્વમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. સોમનાથ વારંવાર તૂટ્યું, પરંતુ ભારતીય આસ્થા અતૂટ રહી. આ ભારતમાતાનાં કરોડો બાળકોના અતૂટ સાહસનું પ્રતીક છે.’


