રાજકોટ જિલ્લાના હડાળા ગામે આજે યોજાનારા દીકરીના લગ્નપ્રસંગની કંકોતરીમાં પિતાએ આમ લખીને દારૂનું દૂષણ દૂર કરવા કર્યો સંનિષ્ઠ પ્રયાસ, ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ હવે લગ્નપ્રસંગની કંકોતરીમાં આ પ્રકારે લખવું પડે એવી સ્થિતિ આવી છે
Gujarat News
મનસુખ સીતાપરાની દીકરીનાં લગ્નની કંકોતરી, જેમાં સર્કલ કરેલા ભાગમાં ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’ એવું લખેલું જોઈ શકાય છે.
અમદાવાદ ઃ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના હડાળા ગામે એક દીકરીનો લગ્નપ્રસંગ છે જેમાં તેની કંકોતરીમાં તેના પિતાએ ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’ એમ સ્પષ્ટપણે લખીને દારૂનું દૂષણ દૂર કરવા સંનિષ્ઠ પ્રયાસ કરીને સમાજને એક રાહ ચીંધી છે. તેમની આ ઉદાહરણીય અને આવકારદાયક પહેલને ગામના લોકો અને સમાજે બિરદાવી છે એટલું જ નહીં, તેમની દીકરી પણ પિતાના સમાજસુધારણા માટેના આ કાર્યથી ખુશ થઈ ઊઠી છે.
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ હવે લગ્નપ્રસંગની કંકોતરીમાં આ પ્રકારે લખવું પડે એવી સ્થિતિ આવી છે. હડાળા ગામમાં રહેતા મનસુખ સીતાપરાની દીકરીના લગ્નપ્રસંગે કંકોતરી છપાવી હતી જેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’. આવું લખેલી કંકોતરી તેમણે તેમના કુટુંબીજનો, સગાંવહાલાં અને મિત્ર સર્કલમાં તેમ જ સમાજમાં આપી હતી. સૌકોઈ કંકોતરીમાં લખેલી દારૂની વાત વાંચીને અચંબામાં પડી ગયા હતા. લગ્નપ્રસંગોમાં દારૂ પિવાતો હશે અને ક્યાંક કોઈક પ્રસંગમાં એના કારણે વિક્ષેપ થતા હશે, કંકાસ થતા હશે, ઝઘડા થતા હશે એટલે જ એક દીકરીના પિતાએ નાછૂટકે તેમની દીકરીના લગ્નપ્રસંગે કંકોતરીમાં આમ લખવાની ફરજ પડી હશે.
આવું લખવા પાછળનું કારણ જાણવા મનસુખ સીતાપરાનો સંપર્ક કરતાં તેઓ લગ્નના કારણે બિઝી હોવાથી તેઓ વાત નહીં કરી શકે તેમ ‘મિડ-ડે’ને કહ્યું હતું. પરંતુ એવી માહિતી જાણવા મળી હતી કે લગ્નપ્રસંગમાં દારૂ પિવાતો હોવાથી મનસુખ સીતાપરાને આમ લખવું પડ્યું છે. તેમને થયું કે આવી બદીઓ ન હોવી જોઈએ. દારૂનું દૂષણ ન હોવું જોઈએ એટલે તેમના મનમાં થયું કે સમાજને આની સામે જાગૃત કરું અને સમાજને જાગૃત કરવાની પહેલ તેમની દીકરીના લગ્નપ્રસંગની કંકોતરીથી કરી. કંકોતરીમાં આવું લખ્યા પછી પરિણામ એ આવ્યું કે હડાળા ગામના લોકો અને સમાજના લોકોએ મનસુખભાઈના આ કાર્યને બિરદાવ્યું હતું અને સૌએ એને આવકાર્યું હતું અને ‘તમે સારું કામ કર્યું’ એમ કહી પીઠ થાબડી હતી. બીજી તરફ તેમની દીકરી પપ્પાના આ કાર્યથી ખુશ થઈ ગઈ હતી અને તેને પણ થયું હતું કે મારા પપ્પાએ જેવું લખ્યું એવું દરેકના પપ્પા લખે તો સમાજમાં સારું થશે.