પાણીમાં ડૂબીને બહાર આવેલા નાનકડા હાસીલે તેની કાલીઘેલી ભાષામાં નિખાલસતાથી કહ્યું કે પાણી મોઢામાં ગયું હતું, પણ એ કાઢીને હું પાણીમાંથી ઉપર આવી ગયો
હરણી તળાવમાં ઊંધી વળી ગયેલી બોટને ક્રેઇનથી બહાર કાઢવામાં આવી હતી.
વડોદરાના હરણી તળાવમાં બનેલી કમનસીબ દુર્ઘટનામાં તળાવના ઠંડાગાર પાણીમાં ડૂબીને બહાર આવેલા નાનકડા હાસીલે તેની કાલીઘેલી ભાષામાં મીડિયાને કહ્યું હતું કે કોઈકે રસ્સી ફેંકી અને હું એ રસ્સી પકડીને બહાર આવી ગયો. મારી સાથે બીજા છ છોકરાઓ પણ રસ્સી પકડીને બહાર આવી ગયા.
વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી વળી ગયા બાદ એમાં બેઠેલા વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા પછી એમાંથી બચીને બહાર આવેલા હાસીલ નામના એક વિદ્યાર્થીએ મીડિયા સમક્ષ ઘટના વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘બોટમાં અમે બેઠા હતા અને વજન આવ્યું અને પછી બોટ આખી ઊંધી વળી ગઈ. એ પછી કોઈકે બોટ પકડીને રસ્સી નાખી અને હું એ રસ્સી પકડીને ઉપર ચઢી ગયો. હું ઉપર આવી ગયો પછી મારી જેમ બીજા છ છોકરાઓ રસ્સી પકડીને બહાર આવી ગયા.’
ADVERTISEMENT
આ બાળકે નિખાલસતાથી કહ્યું હતું કે ‘અમને જૅકેટ નહોતું પહેરાવ્યું. બોટ ઊંધી વળી જતાં અમે તળાવમાં ડૂબી ગયા, મારા મોઢામાં પાણી ગયું હતું. મેં એને બહાર કાઢીને હું ઉપર આવી ગયો અને એ વખતે કોઈકે રસ્સી ફેંકી હતી એ મેં પકડી લીધી હતી અને હું બહાર આવી ગયો. બહાર મારા પપ્પા મને લેવા આવી ગયા હતા અને હું તેમની પાસે દોડી ગયો હતો.’
‘રામ રાખે એને કોણ ચાખે’ આ કહેવત વડોદરાના સાત વિદ્યાર્થીઓ માટે સાચી ઠરી કે જેઓ તળાવમાં ડૂબી ગયા પછી રસ્સી પકડીને બહાર આવ્યા અને તેમને નવજીવન મળ્યું છે.