૧૪ લાખથી વધુની કિંમતના ગાંજા સાથે બિહારની એક વ્યક્તિની ધરપકડ
ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી લેનારા ગાંધીધામના પોલીસ-કર્મચારીઓ.
કચ્છના ગાંધીધામમાંથી પાર્સલની આડમાં મગાવેલો ૧૪૦ કિલોથી વધુ ગાંજો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગઈ કાલે ઝડપી લીધો હતો. ૧૪,૦૬,૦૦૦ રૂપિયાની કિંમતના ગાંજા સાથે બિહારની એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ-સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલી કુરિયર સર્વિસની ઑફિસમાં આવેલાં પાર્સલોની આડમાં સાત બૉક્સમાં ૧૪૦ પૅકેટ આવેલાં હતાં, જેમાં ગેરકાયદે નશીલો પદાર્થ-ગાંજાનો જથ્થો હતો અને એ પાર્સલ છોડાવવા આવેલી વ્યક્તિએ પાર્સલ-બૉક્સ છોડાવ્યાં નહોતાં. પોલીસને આ બાબતે શંકા પડી હતી, જેને પગલે તે વ્યક્તિની તપાસ કરતાં તે ગાંધીધામ છોડીને બસ દ્વારા ફરાર થઈ જવાની ફિરાકમાં હતો એ દરમ્યાન પોલીસે બિહારના કટિયાર જિલ્લાના ધનચંદકુમાર પંડિતને ઝડપી લીધો હતો. પોલીસ ધનચંદકુમાર પંડિતને લઈને કુરિયરની ઑફિસમાં લઈ આવી હતી જ્યાંથી ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એથી આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી આ ગાંજાનો જથ્થો જેને આપવાનો હતો તે ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામની તપાસ પોલીસે હાથ ધરી છે.

