દાવો કર્યાના દિવસોમાં સુરત પોલીસનું તેડું : ચંદ્રયાનની ડિઝાઇન તમે બનાવી છે? સહિતના મીડિયાના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું
ચંદ્રયાનની ડિઝાઇન શું ખરેખર બનાવી છે મિતુલ ત્રિવેદીએ?
અમદાવાદઃ ભારતના વૈજ્ઞાનિકોએ રાતદિવસ મહેનત કરીને ચંદ્ર પર ચંદ્રયાન–3 પહોંચાડીને અભુતપૂર્વ સફળતા હાંસલ કરી છે ત્યારે ચંદ્રયાનની ડિઝાઇન પોતે બનાવી હોવાનો દાવો કરનાર ગુજરાતના સુરત શહેરમાં રહેતા મિતુલ ત્રિવેદીને સુરત પોલીસનું તેડું આવતાં ગઈ કાલે તેઓ પોલીસ કચેરીએ હાજર થયા હતા. જોકે ચંદ્રયાનની ડિઝાઇન તમે બનાવી છે? એ સહિતના મીડિયાના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળીને તેઓ મૌન રહ્યા હતા અને કચેરી છોડીને જતા રહ્યા હતા.
ચંદ્રયાન–3 સફળ રીતે ચંદ્ર પર લૅન્ડિંગ થયા બાદ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગ, હતી. લોકોએ સેલિબ્રેશન કર્યું હતું ત્યારે સુરતમાં રહેતા ઇસરોમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદી અને તેમના શિક્ષકની ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં અભિનંદન પાઠવ્યાં હતાં. ચંદ્રયાન પોતે બનાવ્યું હોવાની વાત સાચી છે કે કેમ તેમ જ ચંદ્રયાન બનાવવામાં તેમની ભૂમિકા હોવા સામે અંગુલિનિર્દેશ થયા હતા. આ બધા વચ્ચે ગઈ કાલે સુરત પોલીસે તેમને પોલીસ કમિશનરની કચેરીએ બોલાવ્યા હતા, જેથી તેઓ ગઈ કાલે પોલીસ કમિશનરની કચેરીએ આવ્યા હતા.
મિતુલ ત્રિવેદી પોલીસ કમિશનરની કચેરીમાં આવતાં મીડિયાએ તેમને પ્રશ્નો પૂછ્યા હતા કે ચંદ્રયાનની ડિઝાઇન તમે તૈયાર કરી છે? તમારી સામેના આક્ષેપો સાચા કે ખોટા? સાચું શું છે? એ બધા પ્રશ્નોના જવાબ સામે મિતુલ ત્રિવેદી મૌન રહ્યા હતા અને ફોન પર કોઈકની સાથે વાત કરીને પોલીસ કમિશનરની કચેરીમાંથી નીકળી ગયા હતા. જોકે પ્રશ્નોના મારા વચ્ચે મિતુલ ત્રિવેદીએ મીડિયાને કહ્યું હતું કે ‘ડૉક્યુમેન્ટ સબમિટ કરવા આવ્યો છું. મારા ઇસરોના પ્રૂફ, મારા કૉન્ટ્રૅક્ટના લેટર છે. હું ભાગી નથી રહ્યો.’ આટલું કહીને પોલીસ કચેરીમાંથી નીકળી ગયા હતા.