૧૪૮૬ મેટ્રિક ટન વજનનો આ બ્રિજ ભુજ જિલ્લાની વર્કશૉપમાં બન્યો છે .
નડિયાદ પાસે બુલેટ ટ્રેનના ટ્રૅક પર સ્ટીલનો બ્રિજ મુકાયો.
મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનના ટ્રૅક પર ગુજરાતના નડિયાદ પાસે મેક ઇન ઇન્ડિયાનો સ્ટીલનો બ્રિજ મૂકવામાં આવ્યો છે. ૧૪૮૬ મેટ્રિક ટન વજનનો સ્ટીલનો બ્રિજ ભુજ જિલ્લાની વર્કશૉપમાં બન્યો છે. ભારતીય રેલવેની વડોદરા-અમદાવાદ મુખ્ય લાઇન પર ૧૦૦ મીટરની લંબાઈનો પહેલો સ્ટીલનો બ્રિજ ટ્રૅક પર મુકાયો છે. જોકે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર માટે સ્ટીલના ૨૮ બ્રિજમાંથી આ બીજો બ્રિજ છે. પ્રથમ સ્ટીલના બ્રિજનું લોકાર્પણ સુરત નૅશનલ હાઇવે પરના ટ્રૅક પર કરવામાં આવ્યું હતું. સ્ટીલના ગર્ડર માટે અપનાવવામાં આવેલી પેઇન્ટિંગ ટેક્નિક ભારતમાં આ પ્રકારની પ્રથમ છે. સ્ટીલના ભાગોનું જોડાણ ટૉર્શિયર ટાઇપ હાઈ સ્ટ્રેંગ્થ બોલ્ટ્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને એનો ઉપયોગ ભારતમાં કોઈ પણ રેલવે-પ્રોજેક્ટ માટે પ્રથમ વખત થઈ રહ્યો છે. જપાની ટેક્નિકની સાથોસાથ ભારતના મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે એની સ્વદેશી ટેક્નિક અને ભૌતિક ક્ષમતાઓનો વધુ ને વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો આ સ્ટીલનો બ્રિજ પણ આવાં જ ઉદાહરણોમાંનો એક છે.