ગુજરાતમાં ૨૦૨૨માં ક્રાન્તિ લાવવાનાં સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે
સુરતમાં કેજરીવાલના રોડ-શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઊમટ્યા હતા
આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માનવા ગઈ કાલે સુરતમાં રોડ-શો યોજ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઊમટ્યા હતા. અરવિંદ કેજરીવાલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જીતેલા ‘આપ’ના ૨૭ કાર્યકરોનો ક્લાસ લીધો હતો અને સેવા, સંકલ્પ અને સંવાદનો મંત્ર આપતાં કહ્યું હતું કે ‘તમે ૨૭ લોકોએ સારું કામ કર્યું તો ૨૦૨૨ના ડિસેમ્બરમાં ગજબની ક્રાન્તિ આવવાની છે ગુજરાતમાં.’
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ૨૭ ઉમેદવારો અને આગેવાનો સાથે અરવિંદ કેજરીવાલે ગઈ કાલે સુરતમાં વરાછાના માનગઢ ચોકથી રોડ-શો કર્યો હતો અને જાહેર સભાને સંબોધી હતી. એ અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીના જીતેલા ૨૭ ઉમેદવારો સાથે અરવિંદ કેજરીવાલે બેઠક યોજી હતી, જેમાં કેજરીવાલે તેમને લોકોની સેવા કરવાના પાઠ ભણાવવાની સાથોસાથ શિખામણ આપતાં કહ્યું હતું કે ‘તમે આટલી મોટી પાર્ટી સામે અને સુરત જે બીજેપીનો ગઢ ગણાય છે ત્યાં કઠિન પરિસ્થિતિમાં ચૂંટણી લડ્યા એ તમારી મોટી જીત છે. સારી શરૂઆત કરી છે એ બદલ તમને અભિનંદન. પરિણામ આવ્યાં છે ત્યારથી બીજેપી અને કૉન્ગ્રેસનાં સ્ટેટમેન્ટ સાંભળી રહ્યો છું. તેઓ બોખલાઈ ગયા છે અને થોડા-થોડા ડરેલા છે. એક વાત સમજવાની જરૂર છે કે તેઓ તમારાથી, આમ આદમી પાર્ટીથી નથી ડરતા, પણ એમનાથી ડરે છે જેમણે તમને વોટ આપ્યા છે એ ૧૬ લાખ લોકોથી ડરે છે. ૧૬ લાખ લોકોએ તમારા પર ભરોસો કર્યો છે.’
ADVERTISEMENT
કેજરીવાલે ચૂંટાયેલા ૨૭ કૉર્પોરેટરોને ચેતવણી આપતાં એમ પણ કહ્યું હતું કે ‘તમારી પાસે બીજેપીનો ફોન આવ્યો? ફોન આવે તો ગોપાલભાઈને કહેજો. પછી તેમનું શું કરવાનું છે એ અમે બતાવીશું. તમારામાંથી એક પણ ગયા તો તમે ૬ કરોડ લોકોની આશા તોડો છો. તૂટવાનું નથી. જનતા જેણે ભરોસો કરીને તમને વોટ આપ્યા છે તેમની સેવામાં ૨૪ કલાક તત્પર રહેવાનું છે.’

