ખુશી જાહેર કરતાં નીતા અંબાણીએ કહ્યું કે મને મારા પુત્ર પર ગર્વ છે
ગઈ કાલે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં મમ્મી નીતા અંબાણી અને પત્ની રાધિકા સાથે અનંત અંબાણી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ જામનગરથી શરૂ કરેલી દ્વારકા સુધીની ૧૭૦ કિલોમીટરની લાંબી પદયાત્રા ગઈ કાલે ૧૦ દિવસમાં પૂરી કરી હતી. અનંત અંબાણીની આ સિદ્ધિ પર તેનાં મમ્મી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સંસ્થાપક અને અધ્યક્ષ નીતા મુકેશ અંબાણીએ ખુશી જાહેર કરતાં કહ્યું હતું કે એક માતા તરીકે મને ગૌરવની લાગણી થાય છે અને મારા પુત્ર માટે મને ગર્વ છે.
રામનવમીના શુભ અવસરે અનંત અંબાણી, તેની પત્ની રાધિકા અંબાણી અને મમ્મી નીતા અંબાણી દ્વારકાધીશ મંદિર પહોંચ્યાં હતાં. અંબાણી પરિવાર દ્વારકામાં જ અનંત અંબાણીનો જન્મદિવસ મનાવશે. પદયાત્રા પૂરી થઈ ત્યારે દ્વારકામાં ઉત્સવ જેવો માહોલ હતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પદયાત્રાનું સમાપન થયું હતું.
ADVERTISEMENT
અનંત અંબાણીની પદયાત્રા પૂરી થયા બાદ નીતા અંબાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરાઈ ગયું છે. અનંતે જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા રામનવમીએ પૂરી કરી એ માટે મને ગર્વ છે. એક માતા તરીકે મને મારા સૌથી નાના પુત્ર અનંતને દ્વારકાધીશના આ દિવ્ય સ્થાન પર પદયાત્રા પૂરી કરતાં જોવો એ ઘણા ગૌરવની વાત છે. માનું દિલ એકદમ આનંદિત છે. છેલ્લા ૧૦ દિવસથી અનંતની પદયાત્રામાં સાથે જે બધા યુવાનો આવ્યા છે તેઓ આપણી સંસ્કૃતિનો વારસો આગળ વધારી રહ્યા છે. તેમના માટે મને ખૂબ જ ગર્વ થાય છે. આ છોકરાઓ આટલી નાની ઉંમરે ભગવાનમાં આસ્થા રાખીને ૧૦ દિવસ ચાલ્યા છે. આ દ્વારકાધીશનો ઉપકાર છે, તેમના આશીર્વાદ છે અને હું અને મુકેશ આ બધાને ખૂબ આશીર્વાદ આપીએ છીએ. બધાને જય શ્રીકૃષ્ણ, જય દ્વારકાધીશ.’
પતિએ પૂરી કરેલી પદયાત્રા વિશે બોલતાં પત્ની રાધિકાએ જણાવ્યું હતું કે ‘અનંતની ઇચ્છા હતી કે લગ્ન બાદ જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધીની તે પદયાત્રા કરે. ઘણાં વર્ષોથી આ ઇચ્છા હતી, પણ આ વર્ષે એ પૂરી થઈ છે. મને ગર્વ છે કે તેમણે પદયાત્રા પૂરી કરી છે. અમે અનંતે ૩૦ વર્ષ પૂરાં કર્યાં એ અહીં ઊજવી રહ્યા છીએ. હું એ તમામ લોકોનો પણ આભાર માનું છું જેમણે પદયાત્રાને સફળ બનાવવા માટે અનંતને ઘેરબેઠાં આશીર્વાદ આપ્યા હતા.’
અનંત અંબાણીએ પણ પદયાત્રામાં સામેલ થયેલા અને સાથે ચાલનારા લોકોનો આભાર માનતાં કહ્યું હતું કે ‘આ મારી પોતાની આધ્યાત્મિક યાત્રા હતી. મેં ભગવાનનું નામ લઈને યાત્રા શરૂ કરી હતી અને તેમનું જ નામ લઈને પૂરી કરી રહ્યો છું. યાત્રામાં ભગવાન દ્વારકાધીશની કૃપા રહી છે અને તેમણે ઘણી શક્તિ આપી છે. મારાં પપ્પા, મમ્મી, સાસુ-સસરા, દાદી અને નાની તમામનો હું આભારી છું.’

