રૅલી નહીં રેલો
ગુજરાતનાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇલેક્શનમાં સુરતમાં આમ આદમી પાર્ટી (એએપી-આપ) ૨૭ સીટ મેળવીને વિરોધ પક્ષમાં બેસતાં ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રેસિડન્ટ અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ-શો કર્યો અને એ પછી જાહેર સભાને સંબોધન કર્યું. ચાર કિલોમીટર લાંબા રોડ-શોને જોઈને નવસારીના સંસદસભ્ય અને ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ સી. આર. પાટીલથી લઈને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુધીના સૌકોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે જે રીતે સુરતવાસીઓએ સહકાર આપ્યો હતો એવો જ સહકાર આ વખતે અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં જોવા મળ્યો હતો. બીજેપીના તમામ માંધાતાઓએ રોડ-શો દરમ્યાનની તમામ માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું હતું. રોડ-શો પછી અરવિંદ કેજરીવાલે જાહેર સભાને સંબોધી એ જોવા માટે પણ આ મહાનુભાવો ટીવી સામે બેસી ગયા હતા. અરવિંદ કેજરીવાલે ગઈ કાલે જાહેર સભા પછી ઇલેક્શનમાં ચૂંટાયેલા તમામ કૉર્પોરેટર અને કાર્યકરો સાથે એક મીટિંગ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાતે ૩ વાગ્યે પણ ઊભા થઈને લોકોનાં કામ કરવા ભાગશો તો આવતા ઇલેક્શનમાં વિધાનસભામાં વિરોધ પક્ષ તરીકે તો ૧૦૦ ટકા સ્થાન મેળવશો.
અરવિંદ કેજરીવાલે તમામ કાર્યક્રમ પૂરા કર્યા પછી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રીના ઘરે જઈને લંચ લીધું, જેમાં ગુજરાતી ભોજન હતું. જમ્યા પછી કેજરીવાલે કહ્યું હતું કે હવે ગુજરાતની મીઠી દાળનો સ્વાદ કાયમી બનશે એની મને ખુશી છે.
ADVERTISEMENT
પાણી પણ મિનરલ નહીં
દિલ્હીથી સુરત ઍરપોર્ટ પર પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે રોડ-શો દરમ્યાન એક પણ વાર મિનરલ વૉટર મગાવ્યું નહોતું. પાણી પીવા માટે તેઓ કોઈની પણ બૉટલ લઈ લેતા હતા અને એ જ પાણી પીતા હતા. અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં કહ્યું હતું કે ‘નેતાનો ખર્ચ જો પ્રજાએ ઉપાડવો પડે તો નેતા જમાઈ ગણાઈ જાય, આમ આદમી પાર્ટીનો એક પણ નેતા જમાઈ નહીં બને, તે દીકરો બનીને કામ કરશે એવું હું બધાને આશ્વાસન આપું છું.’

