મૉનિકાબહેન પોતાના શહેરથી ઇટલીના મિલાન અને બર્ગેમો શહેર, પોટુર્ગલના લિસ્બન, નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટરડૅમ અને આઇસલૅન્ડનાં જાણીતાં શહેરો ઘૂમી આવ્યાં છે.
મૉનિકા સ્ટૉટ
કોઈ ફૉરેન કન્ટ્રીમાં ફરવા જવાનું હોય તો લોકો દિવસો સુધી પ્લાનિંગ કરે અને પછી ત્યાં ઓછામાં ઓછા ત્રણ-ચાર દિવસ તો રહે જ. એના વિના દેશ કે શહેરને જોયાની મજા જ ન આવે. જોકે વેલ્સના રેક્સહૅમ શહેરમાં રહેતી ૩૭ વર્ષની મૉનિકા સ્ટૉટ નામની ટ્રાવેલ બ્લૉગર દેશ-વિદેશનાં શહેરો ફરવા માટે ઓન્લી વન-ડે ટ્રિપ જ કરે છે. આવી વન-ડે પિકનિકની જેમ મૉનિકાબહેન પોતાના શહેરથી ઇટલીના મિલાન અને બર્ગેમો શહેર, પોટુર્ગલના લિસ્બન, નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટરડૅમ અને આઇસલૅન્ડનાં જાણીતાં શહેરો ઘૂમી આવ્યાં છે.
આવી વન-ડે ઇન્ટરનૅશનલ ટ્રિપ મૉનિકા માટે અનાયાસ જ શરૂ થઈ ગયેલી. કામ અર્થે તેને અમુક દેશોની કંપનીઓને મળવાનું થતું. એવા સમયે તે માત્ર મીટિંગ માટે ટ્રાવેલ કરતી અને ત્રણ-ચાર કલાકમાં કામ પતાવીને પાછી આવી જતી. તેને થયું કે મીટિંગની સાથે થોડો સમય જે-તે શહેરમાં એક્સપ્લોર કરવામાં ફાળવે તો એ શહેર પણ જોઈ લેવાય. આ જ આશયથી હવે તે બ્રેકફાસ્ટના સમયે નવા શહેરમાં પહોંચી જાય છે અને આખો દિવસ શહેરને ધમરોળીને રાત પડ્યે વળતી ફ્લાઇટ લઈને ઘરે પહોંચી જાય છે. એક જ દિવસ ફરવાનું હોવાથી સામાન પણ બહુ સાથે નથી હોતો એટલે ફ્રીડમ સાથે ચાહે ત્યાં ફરી શકાય છે.

